અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી જીવન સાધના સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ત્રણ વિદ્યાર્થિનીઓ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ વિદ્યાર્થી વર્ગખંડમાં અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યો હતો, જેથી તે ત્રણ વિદ્યાર્થિનીઓએ તેને ગાળો બોલતો અટકાવ્યો હતો. આ જ બાબતની અદાવત રાખીને ઉશ્કેરાયેલા વિદ્યાર્થીએ શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થિનીઓ સાથે મારામારી કરી હતી.
ઘટના બનતાં જ આસપાસના લોકોએ તરત જ વિદ્યાર્થીને પકડી લીધો અને શાળાના સંચાલકોને સોંપ્યો હતો. ત્યારબાદ શાળા તંત્ર દ્વારા વિદ્યાર્થીના માતા-પિતાને રૂબરૂ બોલાવીને સમગ્ર મામલાની જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોતાં બાપુનગર પોલીસે 16 વર્ષીય સગીર વિદ્યાર્થીના માતા-પિતાને બોલાવીને તેનું યોગ્ય કાઉન્સેલિંગ કર્યું હતું.
આખરે, વિદ્યાર્થી પાસે લેખિતમાં માફીપત્ર લખાવ્યા બાદ શાળા દ્વારા તેને લિવિંગ સર્ટિફિકેટ (LC) આપીને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. બીજી તરફ, શિક્ષણ વિભાગે પણ આ સમગ્ર બનાવની તપાસ માટે આદેશો જારી કર્યા છે. મહત્ત્વનું છે કે, આ અંગે DEOએ તપાસના આદેશ આપ્યા હતા.