અમદાવાદના સરખેજ વિસ્તારમાં બોલેરો, રિક્ષા સહિત ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં રસ્તો ક્રોસ કરી રહેલો એક સગીર અડફેટે આવ્યો હતો. બોલેરો તેની ઉપર આવી જતાં તે વાહન નીચે ફસાઈ ગયો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો.
અકસ્માત બાદ સગીર બોલેરો નીચે ફસાયેલી હાલતમાં તરફડિયા મારી રહ્યો હતો અને બચાવવા માટે આજીજી કરી રહ્યો હતો. સ્થળ પર હાજર લોકોએ તાત્કાલિક મદદ કરીને તેને બહાર કાઢ્યો અને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
જોકે સગીરની હાલત વધુ ગંભીર હોવાથી તેને અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે.
સમગ્ર મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.