સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના સરખેજમાં MD ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઈ, NCBએ રેહણાંક મકાનના ભોંયરામાંથી કરોડોનો કાચો માલ જપ્ત કર્યો

અમદાવાદના સરખેજમાં MD ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઈ, NCBએ રેહણાંક મકાનના ભોંયરામાંથી કરોડોનો કાચો માલ જપ્ત કર્યો

અમદાવાદના સરખેજ વિસ્તારમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ એક મોટી કાર્યવાહી કરી છે. મોહમ્મદી પાર્ક નજીકના લેબન પાર્ક સોસાયટીમાં આવેલા એક રહેણાંક મકાનના ભોંયરામાં ગેરકાયદે રીતે મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવવાનું કારખાનું ચાલતું હતું. રવિવારે વહેલી સવારે NCBની ટીમે દરોડો પાડીને આ ફેક્ટરી ઝડપી પાડી છે.

દરોડા દરમિયાન સ્થળ પરથી કરોડો રૂપિયાની કિંમતનો જથ્થાબંધ કાચો માલ, જોખમી કેમિકલ્સ અને ડ્રગ્સ બનાવવાનાં સાધનો કબજે કરવામાં આવ્યાં છે. NCBને ચોક્કસ બાતમી મળી હતી કે આ વિસ્તારમાં રહેણાંક મકાનમાં ડ્રગ્સ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. તેના આધારે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને દરોડો પાડવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ફેક્ટરી મુદ્દસર પઠાણ નામના આરોપી ચલાવતો હતો. તેણે ગૂગલ પરથી માહિતી મેળવીને રાજસ્થાનમાં ડ્રગ્સ બનાવવાની ટ્રેનિંગ લીધી હતી. આરોપી અંકલેશ્વર, અમદાવાદ અને રતલામથી ડ્રગ્સ બનાવવા માટેનો કાચો માલ લાવ્યો હતો.

NCBએ મકાન માલિકની અટકાયત કરીને તેની પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અટકાયત કરાયેલો મકાન માલિક YMCAથી SP રિંગ રોડ તરફ જતા એક કોફી શોપ પણ ચલાવે છે. આ કોફી શોપનો ઉપયોગ ડ્રગ્સના વેચાણ કે સપ્લાય માટે થતો હતો કે કેમ તે દિશામાં તપાસ કરવા NCBની અલગ ટીમે બોપલ સ્થિત કોફી શોપ પર પણ દરોડો પાડ્યો હતો.

તપાસ એજન્સી હવે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ ફેક્ટરી કેટલા સમયથી ચાલતી હતી, કાચો માલ ક્યાંથી આવતો હતો અને તૈયાર થયેલો માલ કયા શહેરોમાં સપ્લાય થતો હતો. આ રેકેટમાં અન્ય કોણ સામેલ છે તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

નોંધનીય છે કે ગુજરાત NCBના નવા ઝોનલ ડાયરેક્ટરે ચાર્જ સંભાળ્યા બાદ અમદાવાદમાં આ પ્રથમ સૌથી મોટી કાર્યવાહી છે. જપ્ત કરાયેલા કેમિકલ્સ અને કાચા માલના નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પૂછપરછમાંથી અન્ય મોટા નામો ખૂલી શકે છે અને ડ્રગ્સ રેકેટનો વધુ પર્દાફાશ થઈ શકે છે.