અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક ઘરમાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ચલાવવાના પ્રયાસનો પર્દાફાશ થયો છે. NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) અને સરખેજ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં એમ.એમ. પઠાણ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ડ્રગ્સ બનાવવામાં સફળ થાય તે પહેલાં જ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ પોતાના ઘરમાં ડ્રગ્સ બનાવવા માટે ગુપ્ત ભોયરું બનાવ્યું હતું. તેણે ડ્રગ્સ બનાવવા માટે જરૂરી કાચો માલ અને કેમિકલ એકત્ર કરવાની શરૂઆત કરી દીધી હતી. પોલીસે સ્થળ પરથી 20 પ્રકારના કેમિકલ જપ્ત કર્યા છે.
આરોપી ડ્રગ્સ કેવી રીતે બનાવવું તેની માહિતી ગૂગલ પરથી મેળવતો હતો. એટલું જ નહીં, ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા જાણવા માટે તે રાજસ્થાનમાં આવેલી એક ડ્રગ્સ ફેક્ટરીની મુલાકાતે પણ ગયો હતો. રાજસ્થાનની ફેક્ટરી જોયા બાદ જ આરોપીએ પોતે ડ્રગ્સ બનાવવાનું નક્કી કર્યું હોવાનું સામે આવ્યું છે.
ડ્રગ્સ બનાવવા માટે જરૂરી મોટાભાગના મટીરિયલની ખરીદી આરોપીએ અમદાવાદમાંથી કરી હતી, જ્યારે એક મટીરિયલ મધ્યપ્રદેશના રતલામથી લાવ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. જોકે, તમામ તૈયારીઓ છતાં આરોપી હજુ સુધી ડ્રગ્સ બનાવવામાં સફળ થયો નહોતો.
વધુ એક ચોંકાવનારી બાબત એ છે કે આરોપી પોતે પણ ડ્રગ્સનો વ્યસની છે. તેની સામે ભૂતકાળમાં ચાર ગુના નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા આરોપી ડ્રગ્સ બનાવવા માટેનો કાચો માલ ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.