અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના પુનર્વિકાસને પગલે આસપાસના રસ્તાઓ પહોળા કરવાની કામગીરી શરૂ થઈ છે. સારંગપુર સર્કલથી ડીસીપી ઝોન-3ની કચેરી સુધીના હાલ 18 મીટર પહોળા રસ્તાને 30 મીટર સુધી પહોળો કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ માટે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ એક્ટની કલમ 210 હેઠળ સૂચિત રોડલાઇન નક્કી કરીને જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
આ પ્રક્રિયા અંતર્ગત રોડલાઇનમાં આવતી અંદાજે 17 મિલકતો દૂર કરીને 2,965 ચોરસ મીટર જગ્યા રસ્તામાં ભેળવવાનું આયોજન છે.
રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) દ્વારા કાલુપુર રેલવે સ્ટેશનનું આધુનિક સુવિધાઓ સાથે પુનર્નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સ્ટેશનના પુનર્વિકાસ બાદ દરરોજ અંદાજે 3.12 લાખ મુસાફરો અવરજવર કરે તેવી શક્યતા છે. મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સ્ટેશન સુધી પહોંચવા અને ત્યાંથી બહાર નીકળવા માટે માર્ગવ્યવસ્થા સુગમ બનાવવાના હેતુથી રસ્તા પહોળા કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ રસ્તો પહોળો થવાથી વાહનવ્યવહારની ક્ષમતા વધશે અને રેલવે સ્ટેશન તરફ જતાં-આવતાં વાહનોની અવરજવર સરળ બનશે.
કોર્પોરેશને GPMC એક્ટની કલમ 210 હેઠળ જાહેર નોટિસ બહાર પાડી છે, જેમાં સૂચિત રોડલાઇન અંગે જાહેર જનતા પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત, સારંગપુર સર્કલથી રોજી સિનેમા તરફ જતા માર્ગ પર કોર્પોરેશન દ્વારા ભાડા અથવા પરમિટના આધારે ફાળવવામાં આવેલી દુકાનોની જગ્યા પરત મેળવવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. સંબંધિત દુકાનધારકોને જગ્યા ખાલી કરીને કોર્પોરેશનને પરત સોંપવા નોટિસ આપવામાં આવી છે.