દુર્ગા પૂજા અને તહેવારો દરમિયાન મુસાફરોની ભીડ ઓછી કરવા માટે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને વિશેષ પૂજા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન અમદાવાદ અને સાંતરાગાછી (પશ્ચિમ બંગાળ) વચ્ચે ચાલશે, જેનાથી પશ્ચિમ ભારતથી પૂર્વ તરફ જતા મુસાફરોને રાહત મળશે. નિયમિત ટ્રેનોમાં લાંબી વેઇટિંગ લિસ્ટની સમસ્યા ઘટાડવામાં આ સ્પેશિયલ ટ્રેન ઉપયોગી થશે.
ટ્રેન નંબર 02833 અમદાવાદ–સાંતરાગાછી સ્પેશિયલ 22 સપ્ટેમ્બરે અમદાવાદથી બપોરે 2.25 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 3.30 વાગ્યે સાંતરાગાછી પહોંચશે. પરત ફરતી ટ્રેન નંબર 02834 સાંતરાગાછી–અમદાવાદ સ્પેશિયલ 20 સપ્ટેમ્બરે રાત્રે 12.15 વાગ્યે સાંતરાગાછીથી રવાના થઈને બીજા દિવસે બપોરે 1.50 વાગ્યે અમદાવાદ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નંદુરબાર, ભુસાવળ, બદનેરા, નાગપુર, ગોંદિયા, દુર્ગ, રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા, રાઉરકેલા, ચક્રધરપુર, ટાટાનગર અને ખડગપુર સહિતના મુખ્ય સ્ટેશનો પર રોકાશે.
ટ્રેનમાં જનરલ સેકન્ડ ક્લાસ, સ્લીપર અને થર્ડ એસી કોચની સુવિધા રહેશે. આ ટ્રેનમાં વિશેષ ભાડું લાગુ પડશે. ટ્રેન નંબર 02833 માટેનું આરક્ષણ તમામ પીઆરએસ કાઉન્ટર અને IRCTCની વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે. મુસાફરોને વહેલી તકે બુકિંગ કરાવવાની સલાહ આપવામાં આવે છે.