સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં સંસ્કૃત ગરબાની ધૂમ: ફિલ્મી ગીતોને બદલે દેવભાષામાં ગરબા, 1500થી વધુ લોકો જોડાયા

અમદાવાદમાં સંસ્કૃત ગરબાની ધૂમ: ફિલ્મી ગીતોને બદલે દેવભાષામાં ગરબા, 1500થી વધુ લોકો જોડાયા

આ વર્ષે નવરાત્રિ પર્વે અમદાવાદમાં એક અનોખી પહેલ જોવા મળી છે. ફિલ્મી ગીતો કે ડીજેની જગ્યાએ સંસ્કૃત ભાષામાં ગવાતા પરંપરાગત ગરબાએ ખેલૈયાઓને મંત્રમુગ્ધ કર્યા છે. 'એકલવ્ય સંસ્કૃત ફાઉન્ડેશન' દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 1500થી વધુ લોકોએ ભાગ લીધો હતો.

ફાઉન્ડેશન છેલ્લા 26 વર્ષથી સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત છે. વર્ષ 2008માં માત્ર 10 ગરબાથી શરૂ થયેલી આ પહેલ આજે 45 કૃતિઓ સુધી પહોંચી છે. શરૂઆતમાં 45 વિદ્યાર્થીઓએ જ ભાગ લીધો હતો, જે બીજા વર્ષે 400 થયા અને આ વર્ષે નવરંગ સ્કૂલના પ્રાંગણમાં 1500થી વધુ લોકો સુધી પહોંચ્યા છે. કોર હાઉસ ખાતે 900 લોકોની ઉપસ્થિતિમાં પણ કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે ગાંધીનગર કેન્દ્ર દ્વારા દશેરા નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાશે.

આ સંસ્કૃત ગરબાની ખાસ વાત એ છે કે તેમાં જાણીતા ગુજરાતી લોકગરબાઓનું સંસ્કૃતમાં ભાષાંતર કરવામાં આવ્યું છે. 'તારા વિના શ્યામ મને એકલડું લાગે' જેવા પ્રચલિત ગરબા ઉપરાંત માતાજીની સ્તુતિ, મહિષાસુરમર્દિની સ્તોત્ર, શિવ તાંડવ સ્રોત અને મધુરાષ્ટકમ જેવી ભક્તિસભર કૃતિઓ પર ખેલૈયાઓ ઝૂમ્યા હતા. સંસ્કૃતના પવિત્ર ઉચ્ચારો અને શાસ્ત્રીય સંગીતના તાલ પર યુવાનો ભાવવિભોર થઈ ગયા હતા.

આ આયોજન પાછળ 20થી વધુ કલાકારોની ટીમ સતત કાર્યરત રહી છે. મુખ્ય ગાયકોમાં ધવલકુમાર, ડૉ. ધૈર્યાબેન અને આકાશભાઈ જોષી જોડાયા હતા, જ્યારે શિક્ષકો, સ્વયંસેવકો, કોરસ ગાયકો અને વાદકોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ફાઉન્ડેશનના ડિરેક્ટર ડૉ. મિહિર ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર, સંસ્થા સિનિયર કેજીથી લઈને સિનિયર સિટિઝન સુધીના તમામ વયજૂથોને સંસ્કૃત ભાષા શીખવે છે. સંસ્કૃત માત્ર પુસ્તકો પૂરતી સીમિત ન રહે અને સામાન્ય લોકો તથા યુવા પેઢી સુધી પહોંચે એ ઉદ્દેશ્યથી આ ગરબા મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી.