સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: સાંચી નવરાત્રિના ખેલૈયાઓ ગેટ બહાર રઝળ્યા, પોલીસ પરમિશન ન મળતાં હોબાળો

અમદાવાદ: સાંચી નવરાત્રિના ખેલૈયાઓ ગેટ બહાર રઝળ્યા, પોલીસ પરમિશન ન મળતાં હોબાળો

અમદાવાદના સોલા વિસ્તારમાં ગાયક જીગરદાન ગઢવીના નામ સાથે યોજાઈ રહેલા 'સાંચી નવરાત્રિ'માં મંજૂરી ન મળતાં હજારો ખેલૈયાઓ ગેટની બહાર રઝળ્યા હતા. રાત્રે 9 વાગ્યા સુધી પ્રવેશ ન મળતાં ખેલૈયાઓએ આયોજકો વિરુદ્ધ હોબાળો કર્યો.

મળતી માહિતી મુજબ, આયોજકોએ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કર્યો નથી. આથી પોલીસે ગરબા યોજવા માટેની અંતિમ પરવાનગી આપી નથી. પોલીસ મંજૂરી ન હોવાથી ખેલૈયાઓને ગ્રાઉન્ડમાં પ્રવેશ મળી રહ્યો નથી.

મોંઘા ભાવના સીઝન પાસ લઈને આવેલા હજારો ખેલૈયાઓ કલાકો સુધી ગેટની બહાર ઊભા રહ્યા હતા. આયોજકો કે બાઉન્સર તરફથી પ્રવેશ અંગે કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નહીં, જેથી લોકોએ નારેબાજી શરૂ કરી દીધી.

આ વિવાદ ગઈકાલથી શરૂ થયો હતો. પ્રથમ નોરતે ફાયર વિભાગની મંજૂરી વગર જ બંધ એસી ડોમમાં હજારો લોકો ભેગા કરવામાં આવ્યા હતા. બંધ અને સાંકડા ડોમમાં આગ જેવી કોઈ દુર્ઘટના બને તો મોટી જાનહાનિની શક્યતા હતી. મોડે મોડે ફાયરની મંજૂરી મળી, પણ સુરક્ષાના અન્ય માપદંડો પૂરા નથી.

તંત્રએ આયોજકોને આજે સાંજે 4 વાગ્યા સુધીમાં તમામ કાયદાકીય મંજૂરીઓ મેળવી લેવા સૂચના આપી હતી, પણ આયોજકો એમાં નિષ્ફળ રહ્યા હોવાનું સામે આવ્યું છે.

આયોજકોએ પણ સ્વીકાર્યું છે કે તેમની પાસે પોલીસની અંતિમ મંજૂરી નથી. લાખો રૂપિયાના પાસ વેચાઈ ગયા બાદ હવે ખેલૈયાઓને પ્રવેશ મળતો નથી.

આ ઘટનામાં સોલા પોલીસની કામગીરી પર પણ સવાલ ઊઠ્યા છે. ગઈકાલે ફાયર સેફ્ટી વગર હજારો લોકોના જીવ જોખમમાં મુકાયા ત્યારે પોલીસે કેમ હસ્તક્ષેપ કર્યો નહીં તે મુદ્દે પ્રશ્નો થાય છે. સાથે જ યોગ્ય મંજૂરી વગર જીગરદાન ગઢવીએ સ્ટેજ પર પર્ફોર્મન્સ કેમ કર્યું તે અંગે પણ લોકોમાં રોષ છે.

આયોજકો પાસે જરૂરી મંજૂરીઓ ન હોવાથી ખેલૈયાઓને પ્રવેશ મળતો નથી અને તેઓ વિરોધ કરી રહ્યા છે. આ ઘટના નફા માટે નાગરિકોની સુરક્ષાને નેવે મૂકવાનો મામલો ગણાઈ રહી છે.