સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાં જીવડાં, લિફ્ટ બંધ: વિદ્યાર્થિનીઓનો વિરોધ

અમદાવાદની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનમાં જીવડાં, લિફ્ટ બંધ: વિદ્યાર્થિનીઓનો વિરોધ

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓએ ખરાબ ભોજન અને પીવાના પાણીની સમસ્યાઓ સામે વિરોધ કર્યો છે. તેમનો આક્ષેપ છે કે હોસ્ટેલના ભોજનમાં વારંવાર જીવાતો નીકળે છે. જેમાં મગમાં કાનખજૂરો, દાળમાં જીવડાં, કઢીમાં ઈયળો અને પીવાના પાણીમાં મરેલી ગરોળી મળી હોવાના બનાવો સામે આવ્યા છે.

વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે, ભોજનમાંથી જીવાત નીકળવાની ફરિયાદ કરવામાં આવે ત્યારે હોસ્ટેલ સંચાલકો માત્ર તે થાળી બાજુ પર મૂકાવીને બીજી થાળી લેવાનું કહી દે છે. પરંતુ અન્ય વિદ્યાર્થિનીઓને ભોજન લેતા અટકાવતા નથી કે સ્વાસ્થ્યની જવાબદારી લેતા નથી. હોસ્ટેલમાં 1000 જેટલી વિદ્યાર્થિનીઓ વચ્ચે પીવાના પાણી માટે માત્ર 2 નળ ચાલુ હોવાની સમસ્યા પણ છે.

વિદ્યાર્થિનીઓના આક્ષેપ મુજબ, છેલ્લા 3 અઠવાડિયાથી ભોજનનું મેનુ બદલવાની માગ કરી છે, પરંતુ હોસ્ટેલ તંત્ર દ્વારા તેનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. ભોજન સિવાય હોસ્ટેલમાં બીજી કેટલીક સુવિધાઓનો પણ મોટો અભાવ છે. હોસ્ટેલમાં આવેલી 2 લિફ્ટમાંથી 1 લિફ્ટ ચોમાસામાં પાણી ભરાવાને કારણે બંધ થઈ ગઈ છે અને બીજી લિફ્ટ પણ અવારનવાર ખરાબ થઈ જાય છે. આ કારણે 10મા માળ પર રહેતી વિદ્યાર્થિનીઓને રોજબરોજ કૉલેજ જવા અને જમવા આવવા માટે 10 માળ ચડવા-ઉતરવા પડે છે.

આ મામલે રજૂઆત કરતાં હોસ્ટેલ તંત્ર સતત આશ્વાસન આપે છે કે કામ થઈ જશે, પરંતુ કોઈ કાયમી નિકાલ આવતો નથી. તેમજ વિદ્યાર્થિનીઓને એવું પણ સંભળાવવામાં આવે છે કે, 'સરકારી હોસ્ટેલમાં ફ્રીમાં રહો છો એટલે જે મળે તે ખાઈ લેવું જોઈએ.'

આવી ગંભીર બેદરકારી અને સુવિધાઓના અભાવને કારણે કંટાળીને વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલના રેક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે ધરણા યોજીને ઉગ્ર દેખાવો કર્યો છે. તેમણે 'શ્રીરામ જય રામ જય જય રામ' ધૂન ગાઈને વિરોધ વ્યક્ત કર્યો હતો.

બીજી તરફ, હોસ્ટેલના અધિકારીએ ખુલાસો આપ્યો છે કે, જ્યારે વિદ્યાર્થીનીઓ તરફથી રજિસ્ટરમાં ફરિયાદો મળે છે ત્યારે તેઓ પોતે તપાસ કરે છે અને ભોજન પૂરું પાડતી ખાનગી એજન્સીને નોટિસ આપીને તાકીદ કરે છે. અધિકારીઓએ દાવો કર્યો છે કે, એજન્સીને કડક સૂચના આપવામાં આવી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને. જો કે, વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં યોગ્ય કાર્યવાહી થતી નથી, જેના કારણે તેઓ પોતાના હક માટે વિરોધ ચાલુ રાખી રહી છે.