સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં પાણીમાં ગરોળી અને ભોજનમાં જીવાત, વિદ્યાર્થીનીઓએ ધરણા આપ્યો

અમદાવાદની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં પાણીમાં ગરોળી અને ભોજનમાં જીવાત, વિદ્યાર્થીનીઓએ ધરણા આપ્યો

અમદાવાદની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં પીવાના પાણીમાં મૃત ગરોળી અને ભોજનમાં જીવાત મળવાના આક્ષેપો સામે આવ્યા છે. આ મુદ્દે વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલ તંત્ર સામે ધરણા યોજીને તેમનો વિરોધ વ્યક્ત કર્યો છે.

વિદ્યાર્થીનીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી ભોજનમાં જીવાત નીકળી રહી છે. તેમણે કહ્યું કે દાળમાં જીવડા, મગમાં કાનખજૂરા અને કઢીમાં ઇયળ જેવી વસ્તુઓ મળી આવી છે. પીવાના પાણીની ગુણવત્તા પણ ખરાબ હોવાની ફરિયાદ છે. એક તબક્કે પાણીમાં મૃત ગરોળી મળી હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે.

આ ઉપરાંત, હોસ્ટેલમાં પાણીની અપૂરતી વ્યવસ્થા અને લિફ્ટ વારંવાર બંધ થવાની સમસ્યા પણ સામે આવી છે. વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે બે નળ પર હજારો છોકરીઓએ પાણી ભરવું પડે છે અને લિફ્ટ બંધ રહેવાથી તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમણે વારંવાર ફરિયાદ કરવા છતાં તંત્ર તરફથી માત્ર "કામ થઈ જશે" જેવા જવાબ મળે છે, નક્કર કાર્યવાહી થતી નથી.

બીજી તરફ, હોસ્ટેલ અધિકારીઓએ સ્વીકાર્યું છે કે તેમને ફરિયાદો મળે છે અને તેઓ સંબંધિત એજન્સીને નોટિસ આપે છે. જોકે, વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે વારંવારની ફરિયાદો પછી પણ સ્થિતિમાં સુધારો થયો નથી.

હાલમાં, વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલની ભોજન અને પાણીની ગુણવત્તા તેમજ અન્ય સુવિધાઓ અંગે તાત્કાલિક તપાસ કરાવવાની અને સુધારાત્મક પગલાં લેવાની માંગ કરી છે. આ ઘટનાએ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.