સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: સરદાર બ્રિજ પરથી સાબરમતીમાં કૂદેલા યુવકને સ્કીમર મશીનના સ્ટાફે બચાવ્યો

અમદાવાદ: સરદાર બ્રિજ પરથી સાબરમતીમાં કૂદેલા યુવકને સ્કીમર મશીનના સ્ટાફે બચાવ્યો

અમદાવાદમાં સાબરમતી નદીમાં સતત બીજા દિવસે આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી છે. શહેરના સરદાર બ્રિજ પરથી સોમવારે (5 ઓક્ટોબર) બપોરે આશરે એક વાગ્યે એક યુવકે દોરડાના સહારે લટકીને નદીમાં છલાંગ લગાવી હતી.

યુવક બ્રિજની સુરક્ષા જાળી કૂદીને દોરડા વડે નીચે લટકી ગયો હતો. ભરચક ટ્રાફિક વચ્ચે આ દ્રશ્ય જોઈને બ્રિજ પર વાહનચાલકો અને રાહદારીઓના ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. લોકોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી, જેના આધારે રિવરફ્રન્ટ પોલીસ અને ફાયરબ્રિગેડની રિવર રેસ્ક્યૂ ટીમને સ્થળ પર દોડાવવામાં આવી હતી. જોકે, પોલીસ અને ફાયર વિભાગની બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ યુવકે દોરડું છોડી નદીમાં છલાંગ લગાવી દીધી હતી.

તે જ સમયે નદીમાં જળકુંભી અને કચરાની સફાઈ કરતું સ્કીમર મશીન નજીકમાં કાર્યરત હતું. મશીન પર હાજર સ્ટાફે તત્પરતા દાખવી તુરંત જ મશીનની મદદથી યુવકનું રેસ્ક્યૂ કરી તેને સુરક્ષિત રીતે નદી બહાર કાઢ્યો હતો.

સ્કીમર મશીન દ્વારા યુવકને બહાર કાઢી રિવરફ્રન્ટ વોક-વે પર લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રિવરફ્રન્ટ પોલીસે તેનો કબજો મેળવી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં યુવકની માનસિક સ્થિતિ સમજી તેનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું અને તેના પરિવારજનોનો સંપર્ક સાધી તેમને સોંપવામાં આવ્યો હતો.

આ સમગ્ર મામલે રિવરફ્રન્ટ પોલીસે કાયદેસરની જાણવાજોગ એન્ટ્રી કરીને આગળની પૂછપરછ હાથ ધરી છે.