સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં દિવાળી દરમિયાન સાબરમતી નદીમાં પાંચ લોકોના ઝંપલાવ, ચારના મોત; એક યુવક બચ્યો

અમદાવાદમાં દિવાળી દરમિયાન સાબરમતી નદીમાં પાંચ લોકોના ઝંપલાવ, ચારના મોત; એક યુવક બચ્યો

અમદાવાદમાં દિવાળીથી ભાઈબીજ વચ્ચેના તહેવારો દરમિયાન સાબરમતી નદીમાં પાંચ અલગ-અલગ વ્યક્તિઓએ ઝંપલાવ્યું હતું. અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની રિવર રેસ્ક્યૂ ટીમે નદીમાંથી ચાર મૃતદેહો બહાર કાઢ્યા હતા, જ્યારે એક યુવકને જીવતો બચાવીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાઓ એલિસબ્રિજ, અટલ બ્રિજ અને દધીચિ બ્રિજ પાસે બની હતી. પોલીસે મૃતકોની ઓળખ કરવા અને તેમના પરિવારજનોને શોધવાની તજવીજ શરૂ કરી છે.

પ્રથમ ઘટના દિવાળીની સવારે એલિસબ્રિજ અને અટલ બ્રિજ વચ્ચે બની હતી, જ્યાં એક વ્યક્તિની બેગ, મોબાઈલ ફોન, ચંપલ અને મોટરસાઇકલની ચાવી મળી આવી હતી. સ્થાનિક લોકોની જાણ થતાં જ ફાયર વિભાગની રિવર રેસ્ક્યૂ ટીમે નદીમાં શોધખોળ શરૂ કરી હતી. ટીમે એક કલાકમાં જ ફેનિલ નામના યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો હતો અને આગળની તપાસ માટે પોલીસને સોંપ્યો હતો.

દિવાળીના દિવસે જ બનેલી બીજી ઘટનામાં રિવરફ્રન્ટ પર પતંગ હોટેલ નજીક નદીના પાણીમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. રિવરફ્રન્ટના સુરક્ષાકર્મીએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરતાં રેસ્ક્યૂ ટીમે મૃતદેહ બહાર કાઢ્યો હતો. મૃતક પાસેથી ઓળખ માટે કોઈ દસ્તાવેજ કે સામાન મળ્યો ન હોવાથી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તેના પરિવારની શોધખોળ હાથ ધરી છે.

ત્રીજી ઘટનામાં દિવાળીના બીજા દિવસે બપોરે એક વ્યક્તિએ દધીચિ બ્રિજ નજીક નદીમાં ઝંપલાવ્યું હતું. રિવર રેસ્ક્યૂ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને બહાર કાઢ્યો હતો, જ્યાં તે જીવિત હોવાનું માલૂમ પડ્યું હતું. બચી ગયેલા વ્યક્તિની ઓળખ પ્રવીણ કાંબલે તરીકે થઈ હતી અને તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

તે જ દિવસે મોડી રાત્રે એક વ્યક્તિને નદીમાં કૂદતો જોઈને સુરક્ષાકર્મીએ ફાયર વિભાગને સતર્ક કર્યો હતો. રેસ્ક્યૂ ટીમે રાત્રિ દરમિયાન શોધ ઓપરેશન હાથ ધરીને સાજિદ પઠાણ નામના વ્યક્તિનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોલીસને સોંપવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી સાથે પોસ્ટમોર્ટમ માટે મોકલાયો હતો.

પાંચમી ઘટનામાં ભાઈબીજની સવારે એલિસબ્રિજ નજીક એક સુરક્ષાકર્મીને નદીમાં વધુ એક મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. રેસ્ક્યૂ ટીમે મૃતદેહ બહાર કાઢ્યો હતો, પરંતુ મૃતક પાસેથી કોઈ ઓળખપત્ર મળ્યું ન હતું. જોકે મૃતકના હાથ પર અંગ્રેજીમાં 'Paresh' લખેલું જોવા મળ્યું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી મૃતકની ઓળખ અને તેના પરિવારજનોને શોધવાની તજવીજ હાથ ધરી છે.