અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશન પર યાત્રીઓ માટે 'ટ્રાવેલર્સ લાઉન્જ' શરૂ કરવામાં આવ્યો છે. આ સુવિધાનો ઉદ્દેશ્ય ટ્રેનમાંથી ઉતર્યા બાદ યાત્રીઓને ઘર, ઓફિસ કે અન્ય સ્થળે જવા માટે ટેક્સી, બાઇક સહિતનાં વાહનો સરળતાથી મળી રહે તે છે. હવે યાત્રીઓ સ્ટેશન પર જ વાહન બુક કરી શકશે.
અત્યાર સુધી ટ્રેનમાંથી ઉતર્યા બાદ યાત્રીઓએ સ્ટેશનની બહાર નીકળીને ટેક્સી, રિક્ષા કે અન્ય વાહન શોધવું પડતું હતું. ઘણી વખત વાહન ક્યાં મળશે અને ભાડું કેટલું થશે તે અંગે પણ મુશ્કેલી પડતી હતી. ટ્રાવેલર્સ લાઉન્જની સુવિધાથી યાત્રીઓને વાહન બુકિંગ માટે નિર્ધારિત સ્થળે માર્ગદર્શન અને સહાયતા મળશે. આ ઉપરાંત યાત્રીઓ માટે વેઇટિંગ એરિયાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
યાત્રીઓ સ્ટેશન પર ટ્રાવેલર્સ લાઉન્જ પાસે પહોંચીને વાહન બુકિંગ અંગે માહિતી મેળવી શકશે. રાઇડ આપતી કંપનીની એપ દ્વારા બુકિંગ કરતા યાત્રીઓ પોતાના ગંતવ્યનું સરનામું નાખીને ઉપલબ્ધ વાહનો અને ભાડાની વિગતો જોઈ શકશે. ત્યારબાદ યોગ્ય વિકલ્પ પસંદ કરીને બુકિંગ કરી શકશે. એપનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડતી હોય તો લાઉન્જ પર ઉપલબ્ધ ઓન-ગ્રાઉન્ડ સહાયક પાસેથી માર્ગદર્શન મેળવી શકશે.
આ સુવિધાથી યાત્રીઓને ઘણા ફાયદા થશે. વાહન શોધવાની ઝંઝટ ઘટશે, સમયની બચત થશે, અને ભાડાની માહિતી પણ એપ પરથી મળી શકશે. વાસ્તવિક ભાડું માંગ, અંતર અને અન્ય પરિબળો મુજબ બદલાઈ શકે છે. પરિવાર અને સામાન સાથે મુસાફરી કરતા યાત્રીઓને પણ સરળતા રહેશે. ખાસ કરીને રાત્રિના સમયે આવતા યાત્રીઓને વાહન બુકિંગ માટે માર્ગદર્શન અને સહાયતા મળશે.
સાબરમતી રેલવે સ્ટેશન પર પણ 'ટ્રાવેલર્સ લાઉન્જ' સ્થાપિત કરવામાં આવ્યો છે. અહીં યાત્રીઓને વાહન કનેક્ટિવિટી, સમર્પિત વેઇટિંગ લાઉન્જ અને ઓન-ગ્રાઉન્ડ સહાયતા જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ પહેલથી રેલવે સ્ટેશનથી આગળની મુસાફરી વધુ સરળ અને સુવિધાજનક બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આગામી દિવસોમાં મણિનગર, વટવા અને અસારવા રેલવે સ્ટેશન પર પણ આ સુવિધા શરૂ કરવાનું આયોજન છે. ઉપરાંત, સાબરમતી રેલવે સ્ટેશનને પર્યાવરણને અનુકૂળ સુવિધાઓ સાથે વિકસાવવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેશનને IGBC ગોલ્ડ રેટિંગ ધરાવતી ગ્રીન બિલ્ડિંગ તરીકે વિકસાવવાની યોજના છે. આ ઉપરાંત સ્ટેશન પરિસરમાં 1,300 કિલોવોટ ક્ષમતાનો સૌર ઊર્જા પ્લાન્ટ સ્થાપિત કરવાની દરખાસ્ત છે. આનાથી રેલવેની કામગીરીમાં સૌર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ થશે.