અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના છ તાલુકામાં દેશી અને વિદેશી દારૂના અડ્ડા ખુલ્લેઆમ ચાલી રહ્યાની ફરિયાદો સામે આવી છે. દસક્રોઈ, સાણંદ, બાવળા, ધોળકા, ધંધુકા અને ધોલેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દારૂની ભઠ્ઠીઓ અને વેચાણના નેટવર્ક ધમધમી રહ્યા હોવાનું સ્થાનિકો જણાવે છે. આ બાબતે પોલીસ તંત્ર સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.
મળતી માહિતી અનુસાર, અસલાલી પોલીસ સ્ટેશનની હદમાં આવતી કમોડ ચોકડી પર 24 કલાક દારૂનું નેટવર્ક ચાલતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. આ સ્થળ ગેરકાયદે પ્રવૃત્તિનું કેન્દ્ર બની ગયું હોવાનું કહેવાય છે.
ગુનાખોરી અટકાવવા માટે લાખો રૂપિયાનું નેટવર્ક અને બાતમીદારો ધરાવતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને આ અડ્ડાઓની માહિતી કેમ પહોંચતી નથી, તે અંગે પણ સ્થાનિકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. પોલીસ અને બુટલેગરો વચ્ચે સાંઠગાંઠ હોવાની ચર્ચાઓ પણ વ્યાપક બની છે.
સ્થાનિકોનું કહેવું છે કે, ઉચ્ચ અધિકારીઓ દ્વારા માત્ર કાગળ પર જ દારૂબંધીનું પાલન કરાવવામાં આવે છે, જ્યારે જમીની સ્તરે બુટલેગરોને મોકળું મેદાન મળી ગયું છે. આ અંગે એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં દારૂબંધીના ધજાગરા ઉડતા દેખાય છે. આ ઘટનાક્રમ બાદ પોલીસ તંત્રની કાર્યક્ષમતા અંગે શંકા વ્યક્ત થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂબંધી કાયદો અમલમાં છે, પરંતુ ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ ફરી એકવાર અમદાવાદ ગ્રામ્યમાં દારૂના ધંધા સામે પ્રશ્નો ઉઠ્યા છે. સ્થાનિક લોકોએ પોલીસ તંત્ર પાસે ઝડપી કાર્યવાહીની માંગ કરી છે.