અમદાવાદના સુભાષબ્રિજ ખાતેની નવી RTO કચેરીમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું હવે પહેલાં જેટલું સહેલું નથી રહ્યું. અહીં કરોડો રૂપિયાના ખર્ચે અત્યાધુનિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવ્યો છે, જેમાં 16 AI કેમેરા અને 5 CCTV કેમેરા લગાવ્યા છે. આ કેમેરા ટ્રેક પર થતી દરેક હિલચાલનું રેકોર્ડિંગ કરે છે. પરંતુ આ ટ્રેક પર કારનો ડ્રાઇવિંગ ટેસ્ટ આપનારા લગભગ 80 ટકા લોકો નાપાસ થઈ રહ્યા છે.
ટેસ્ટ આપતા પહેલાં વાહનચાલકે ફરજિયાતપણે ટ્રેકના નિયમો સમજાવતો વીડિયો જોવો પડે છે. ત્યાર બાદ તેમને 7 મિનિટમાં આખી પ્રક્રિયા પૂરી કરવાની હોય છે. આ સમયમાં રિવર્સ, બોક્સ પાર્કિંગ, ઢાળ ચઢાવવો અને ટ્રાફિક સિગ્નલનું પાલન કરવાનું હોય છે. ટેસ્ટમાં ચાર રસ્તાના નાકા પર ગ્રીન અને રેડ સિગ્નલ પણ આપવામાં આવે છે. ઘણા વાહનચાલકો રેડ સિગ્નલમાં આગળ વધી જતા નાપાસ થાય છે.
RTO તંત્રના જણાવ્યા મુજબ, વીડિયો જોયા પછી પણ સુશિક્ષિત લોકો ભૂલ કરી બેસે છે. સમયમર્યાદામાં પ્રક્રિયા પૂરી ન થવી એ પણ નાપાસ થવાનું મુખ્ય કારણ છે. ટુ-વ્હીલર ચાલકોએ 60 સેકન્ડમાં પગ નીચે ન અડે તે રીતે અંગ્રેજી આંકડો પાડવાનો હોય છે.
કાર સહિત ચાર પૈડાના ડ્રાઇવિંગ ટેસ્ટમાં મોટા પ્રમાણમાં લોકો નાપાસ થતા હોવાથી ટેસ્ટની એપોઇન્ટમેન્ટ માટે હાલમાં બે મહિનાની લાંબી રાહ જોવી પડે છે. પહેલાં સવારથી સાંજ સુધી 130 વાહનચાલકો ટેસ્ટ આપતા હતા. હવે સ્લોટ વધારીને સવારે 7 વાગ્યાથી સાંજ સુધી 160 વાહનચાલકો ટેસ્ટ આપી શકશે. અંધારું થયા બાદ AI કેમેરામાં દેખાવ બરાબર પકડાતો ન હોવાથી ટેસ્ટ સાંજ સુધી જ લેવાય છે.