અમદાવાદ સહિત રાજ્યના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં રસ્તાઓની ગુણવત્તા સુધારવા અને ખાડાની સમસ્યા પર નિયંત્રણ લાવવા રાજ્ય સરકારે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરી છે. આ SOP હેઠળ હવે ચોમાસા પહેલાં અને ચોમાસા પછી તમામ રસ્તાઓનો સર્વે કરવો ફરજિયાત બનશે. રાજ્ય સરકારની સૂચના મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના કમિશનરે ઇજનેર વિભાગને SOPનો સખત અમલ કરવા સ્પષ્ટ સૂચના આપી છે. આ SOPમાં રસ્તાના બાંધકામની ગુણવત્તા, સમયસર સમારકામ અને રાહદારીઓ તથા અન્ય માર્ગ વપરાશકર્તાઓની સુરક્ષા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
SOP અનુસાર રસ્તાનું કામ પૂર્ણ થયા બાદ મેનહોલ, ડ્રેનેજ લાઇન અને અન્ય સુવિધાઓનું લેવલ યોગ્ય રાખવાનું રહેશે. રસ્તાઓ રાહદારીઓ, સાઇકલચાલકો અને દિવ્યાંગજનો માટે પણ સુરક્ષિત હોવા જોઈએ. બ્રિજ પર મોટી તિરાડો કે જોઇન્ટ ફેલ્યોર જણાય તો તાત્કાલિક પગલાં લેવાના રહેશે. કોંક્રિટ રોડની તૂટેલી સપાટીની મરામત 15 દિવસમાં અને નાના પેચવર્કનું કામ 30 દિવસમાં પૂર્ણ કરવાનું રહેશે.
રસ્તા પર પડેલા નાના ખાડાઓનું તાત્કાલિક સમારકામ કરવાનું રહેશે, જ્યારે ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત અને નાગરિકો માટે જોખમી રસ્તાઓનું સમારકામ 48 કલાકમાં પૂર્ણ કરવું પડશે. સમારકામ બાદ 72 કલાકની અંદર તેના ફોટોગ્રાફ મ્યુનિસિપલ કોર્પોરેશનની એપ્લિકેશનમાં અપલોડ કરવાના રહેશે. સમારકામ દરમિયાન સ્થળ પર બેરિકેડિંગ કરવું પણ ફરજિયાત રહેશે. ખાડાનું સમારકામ કરતાં પહેલાં તેની સપાટી સાફ કરી યોગ્ય બિટુમિન ઇમલ્શનનો ઉપયોગ કરવાનો રહેશે. કોલ્ડ ઇમલ્શન ઇન્જેક્શન અને ઇન્ફ્રારેડ રિસાયક્લિંગ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા પણ SOPમાં જણાવાયું છે.
ડામરના હોટમિક્સથી રસ્તા બનાવતાં પહેલાં કોન્ટ્રાક્ટર અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ (PMC)એ ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટેનો પ્લાન રજૂ કરવાનો રહેશે. સક્ષમ અધિકારીની મંજૂરી બાદ જ કામગીરી શરૂ કરી શકાશે. રસ્તા માટે વપરાતા કાચા માલના સ્ત્રોત, ગુણવત્તા અને ઉપલબ્ધ જથ્થાની ચકાસણી પણ કરવી પડશે. હોટમિક્સ પ્લાન્ટ અને સાઇટ પર ગુણવત્તાની જાણકારી ધરાવતા અધિકારીની હાજરી જરૂરી રહેશે. પ્લાન્ટમાંથી નીકળતા મટીરિયલનું વજન, નીકળવાનો સમય, સ્થળ પર પહોંચવાનો સમય અને તાપમાનની નોંધ રાખવાની રહેશે. નિર્ધારિત ગુણવત્તાના ધોરણો પૂર્ણ ન કરતું મટીરિયલ સાઇટ પર મોકલી શકાશે નહીં કે તેનો ફરી ઉપયોગ કરી શકાશે નહીં. હોટમિક્સ પાથરતાં પહેલાં સપાટી સાફ કરવી, યોગ્ય તાપમાને મંજૂર જાડાઈ મુજબ મટીરિયલ પાથરવું અને રોડનું લેવલ તથા ઢાળ યોગ્ય રાખવા પડશે. મટીરિયલની લેબોરેટરીમાં તપાસ કરાવવાની સાથે મેનહોલ, વાલ્વ ચેમ્બર અને કેચપીટને નુકસાન ન થાય તેની તકેદારી રાખવાની રહેશે.
રસ્તાઓનું રજિસ્ટર જાળવી દર વર્ષે ઓક્ટોબરમાં તેને અપડેટ કરવાનું રહેશે. રોડનું રીસર્ફેસિંગ, રિગ્રેડિંગ અથવા મિલિંગ કરવાનું હોય ત્યારે સંબંધિત અધિકારીઓ અને ડિઝાઇન કન્સલ્ટન્ટે સંયુક્ત રીતે સ્થળની મુલાકાત લેવી ફરજિયાત રહેશે. રસ્તાના અંદાજ તૈયાર કરતી વખતે પાણીની લાઇન, ડ્રેનેજ, સ્ટોર્મ વોટર લાઇન અને અન્ય ભૂગર્ભ સુવિધાઓની વિગતો પણ સામેલ કરવાની રહેશે. વારંવાર તૂટતી જૂની ડ્રેનેજ અથવા સ્ટોર્મ વોટર લાઇન તથા મેનહોલનું રિહેબિલિટેશન કે મજબૂતીકરણ રસ્તાનું નવું બાંધકામ શરૂ થાય તે પહેલાં જ કરવાનું રહેશે. રસ્તાની હાલની સપાટી અને નીચેના સ્તરોની જાડાઈ ઉપરાંત મકાનોના દરવાજા પાસેનું લેવલ પણ નોંધવાનું રહેશે. નબળી જમીન, બ્લેક કોટન માટી કે ઊંચા ભૂગર્ભ જળ સ્તરવાળા વિસ્તારોમાં રસ્તાની ડિઝાઇન અલગ રીતે કરવાની સૂચના પણ SOPમાં આપવામાં આવી છે.