સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના રોડ કામોમાં નવી કડક SOP: ડમ્પરમાં GPS, SCADAથી પેમેન્ટ, 5 વર્ષની DLP ફરજિયાત

અમદાવાદના રોડ કામોમાં નવી કડક SOP: ડમ્પરમાં GPS, SCADAથી પેમેન્ટ, 5 વર્ષની DLP ફરજિયાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) રોડ રિસરફેસિંગ, રોડ વાઇડનિંગ અને નવા રોડના કામોમાં ગુણવત્તા તેમજ રેકોર્ડ જાળવણી માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) લાગુ કરી છે. આ નવી કાર્યપદ્ધતિ હેઠળ મટિરિયલ ટેસ્ટિંગ, હોટમિક્સ પ્લાન્ટની કામગીરી, ડમ્પર ટ્રેકિંગ, બિલ ચકાસણી અને DLP (ડિફેક્ટ્સ લાયબિલિટી પિરિયડ) હેઠળના રોડના નિરીક્ષણની પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે.

નવી SOP મુજબ, રોડના કામમાં વપરાતા હોટમિક્સ મટિરિયલના દરેક ડમ્પરમાં GPS ટ્રેકિંગ ડિવાઇસ ફરજિયાત લગાવવું પડશે. ડમ્પરની પ્લાન્ટ અને સાઇટની વિગતો GPS સાથે સ્માર્ટ સિટી-311 પર ઉપલબ્ધ થયા બાદ જ બિલની ચુકવણી કરવામાં આવશે. તેનાથી હોટમિક્સ મટિરિયલ પ્લાન્ટથી સાઇટ સુધી પહોંચ્યું કે નહીં તેનું ટ્રેકિંગ થઈ શકશે.

હોટમિક્સ પ્લાન્ટ પર SCADA સિસ્ટમ લાગુ કરવામાં આવશે. રોડના કામ દરમિયાન SCADAમાં દર્શાવાયેલા જથ્થા પ્રમાણે પેમેન્ટ કરવામાં આવશે, પરંતુ તે પહેલાં SCADAના જથ્થાની વેઇબ્રિજના વજન સાથે ચકાસણી કરવી પડશે. બંનેમાંથી જે જથ્થો ઓછો હશે તે મુજબ જ પેમેન્ટ થશે. SCADA ચાલુ ન હોવાને કારણે કામમાં વિલંબ થાય તો સમયમર્યાદામાં વધારો મળશે નહીં.

રોડ રિસરફેસિંગ અને અન્ય સિવિલ કામોમાં ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ (DLP)ની શરત નક્કી કરવામાં આવી છે. બિટુમિનના કામ માટે DLP 5 વર્ષ અને અન્ય સિવિલ કામ માટે 1 વર્ષ રાખવામાં આવ્યો છે. DLP સાથેના રોડના કામના ટેન્ડર અલગથી મંજૂર કરાવવા પડશે.

DLP હેઠળના રોડની ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ તપાસ કરવામાં આવશે. કોન્ટ્રાક્ટર, PMC અને કોર્પોરેશનના અધિકારીઓ સંયુક્ત રીતે રોડની મુલાકાત લઈને ધોવાણ, ખાડા વગેરેની સ્થિતિ નોંધશે. DLP દરમિયાન રોડમાં ખામી જણાય તો કરવામાં આવેલા રિપેરની વિગતો અને જરૂર પડે તો અન્ય કોન્ટ્રાક્ટર પાસે કરાવેલા કામ તથા તેના ખર્ચની પણ નોંધ રાખવી પડશે.

પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે DLP હેઠળ આવતા દરેક રોડ માટે દર વર્ષે નિર્ધારિત ફોર્મ રજૂ કરવું પડશે. તેમાં રોડની લંબાઈ-પહોળાઈ, પ્રોજેક્ટ ખર્ચ, ખર્ચાયેલી રકમ, PMC અને કોન્ટ્રાક્ટરની વિગતો, DLPની શરૂઆત અને અંતિમ તારીખ, ચોમાસા પહેલાં-બાદની રોડની સ્થિતિ તથા સાઇટ વિઝિટના ફોટોગ્રાફ સહિતની વિગતો રહેશે. રોડનો DLP પૂર્ણ થયા બાદ પણ કોન્ટ્રાક્ટર, PMC અને કોર્પોરેશનના અધિકારીઓએ સંયુક્ત રીતે સાઇટની મુલાકાત લઈને નિર્ધારિત વિગતો ભરીને સ્માર્ટ સિટી-311 પર અપલોડ કરવી પડશે.

DLP હેઠળના રોડની વિગતો કોર્પોરેશનની વેબસાઇટ પર પણ અપડેટ કરવામાં આવશે. તેમાં રોડ, કોન્ટ્રાક્ટર, PMC, લંબાઈ-પહોળાઈ, DLPની શરૂઆત-અંતની તારીખ તથા DLP દરમિયાન પ્રથમથી પાંચમા વર્ષ સુધી રોડની સ્થિતિની વિગતો રહેશે. આ માહિતી 1 જુલાઈ અને 1 નવેમ્બરે વેબસાઇટ પર અપડેટ કરવી પડશે.

કામ શરૂ કરતા પહેલાં કોન્ટ્રાક્ટરે રોડના કામમાં વપરાતા કાચા માલના સેમ્પલ PMCની હાજરીમાં ટેસ્ટ કરાવવા પડશે અને મિક્સ ડિઝાઇન મંજૂર કરાવવી પડશે.