અમદાવાદમાં દિવાળી નજીક આવતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના તૂટેલા રસ્તાઓ પર પેચવર્ક અને થીગડાં મારવાની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી છે. પરંતુ આ કામગીરીમાં નવો રસ્તો બનાવવા કરતાં પણ બમણો ખર્ચ થઈ રહ્યો હોવાના અને ગુણવત્તા પર ધ્યાન ન અપાતું હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. મરામતના એક જ દિવસમાં થીગડાં ઉખડી જતાં તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે.
રસ્તાના ખાડા પુરવા માટે જે પરંપરાગત અને ટેકનિકલ પ્રક્રિયા અપનાવવી જોઈએ તેને કોરાણે મૂકાઈ હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. સામાન્ય રીતે ખાડામાં મેટલ સાથે નાની કપચી અને છારુ નાખીને રોલર ફેરવ્યા બાદ હોટમિક્સ-ડામર પાથરવાનો હોય છે. તેના બદલે કોન્ટ્રાક્ટરો દ્વારા સીધા જ મોટા મેટલ ફેંકીને તેના પર નામમાત્રનો ડામર-હોટમિક્સ પાથરી દેવામાં આવે છે. આ પ્રકારનું રોડ પેચવર્ક કેટલા દિવસ ટકશે તે મોટો પ્રશ્ન છે.
શહેરમાં દર વર્ષે રોડ રિપેરિંગ અને પેચવર્કના નામે કરોડો રૂપિયાનું બજેટ વપરાઈ જાય છે. આ પરિસ્થિતિ જોતાં એવું લાગે છે કે વારંવાર તૂટતા રસ્તાઓથી અમદાવાદના વાહનચાલકોની દિવાળી સુધરશે કે કેમ તે તો ખબર નથી, પણ કોર્પોરેશનના આશીર્વાદથી 'દેખાવના થીગડાં' મારતા કોન્ટ્રાક્ટરોની દિવાળી ચોક્કસ સુધરી ગઈ છે.
આ અંગે AMCના અધિકારીઓનું કહેવું છે કે તહેવારો દરમિયાન રસ્તાઓની સ્થિતિ સુધારવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જોકે, ગુણવત્તા અને ખર્ચ અંગેના સવાલો હજુ ઊભા છે.