અમદાવાદના નરોડા વિસ્તારમાં 108 રોડ પર જાહેરમાં જન્મદિવસની ઉજવણીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં યુવકો રસ્તાની કિનારે છ જેટલી કાર લાઈનમાં પાર્ક કરીને કેક કાપતા જોવા મળે છે. પોલીસની ગાડી આવતાં જ યુવકોએ કેક રસ્તા પર ફેંકી દીધી અને ત્યાંથી ભાગી ગયા હતા.
આ ઉજવણીને કારણે જાહેર રસ્તા પર વાહનવ્યવહારને અડચણ થઈ હતી અને રસ્તા પર ગંદકી પણ ફેલાઈ હતી. પોલીસ આવતાં જ ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.
વાયરલ વીડિયોમાં દેખાતી એક કાર સરદારનગર વિસ્તારના ભાજપના સ્થાનિક આગેવાનની હોવાનો દાવો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે. આ ઉપરાંત, આ મામલે પોલીસ ફરિયાદ ન નોંધાય તે માટે સ્થાનિક સ્તરે રાજકીય દબાણ લાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની ચર્ચા પણ વહેતી થઈ છે. જોકે, પોલીસ કે પક્ષ દ્વારા કાર માલિકી અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
નરોડા પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે. જાહેર રોડ પર ટ્રાફિકને અડચણરૂપ બનવા અને શાંતિભંગ કરવા બદલ વીડિયોમાં દેખાતા વાહનોના નંબરના આધારે કાર માલિકો અને યુવકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.