સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: ભુલાભાઈ ચાર રસ્તા અને નરોડા રિંગ રોડ પર બે અકસ્માત, આધેડ અને 24 વર્ષીય યુવકનું મોત

અમદાવાદ: ભુલાભાઈ ચાર રસ્તા અને નરોડા રિંગ રોડ પર બે અકસ્માત, આધેડ અને 24 વર્ષીય યુવકનું મોત

અમદાવાદમાં રવિવારે મોડી રાત્રે બે અલગ-અલગ અકસ્માતોમાં બે પરિવારો શોકમાં ગરકાવ થયા છે. ભુલાભાઈ ચાર રસ્તા પાસે આઈશરની ટક્કરે 58 વર્ષીય આધેડનું મોત થયું અને ચાર લોકો ઘાયલ થયા. નરોડા એસપી રિંગ રોડ પર ટ્રકની ટક્કરે 24 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. ટ્રાફિક પોલીસે બંને મામલે ગુનો નોંધી ફરાર વાહનચાલકોની શોધખોળ શરૂ કરી છે.

પ્રથમ ઘટના દાણીલીમડા વિસ્તારમાં આવેલી નબીનગર સોસાયટીમાં રહેતાં જુલેખાબેન ખલીલ અહેમદ શેખ (47) અને તેમના પતિ ખલીલ અહેમદ અલ્લાહબક્ષ શેખ (58) સાથે સંબંધિત છે. શનિવારે સાંજે તેઓ 12 વર્ષીય પૌત્રી સાથે પ્રેમદરવાજા ખાતે ભાઈની દીકરીના લગ્નપ્રસંગમાં ગયા હતા. રવિવારે વહેલી સવારે તેઓ પેસેન્જર ઓટોરિક્ષામાં ઘરે પરત ફરી રહ્યાં હતાં. તેમની રિક્ષા એસટી ગીતા મંદિર ચાર રસ્તાથી શાહઆલમ તરફ જતા માર્ગ પર ભુલાભાઈ ચાર રસ્તા પાસે પહોંચી ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલા આઈશરચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી ભયંકર હતી કે રિક્ષા પલટી ખાઈ ગઈ.

આ અકસ્માતમાં ખલીલ અહેમદ શેખને છાતી અને પાંસળીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જુલેખાબેનને જમણા પગના પંજા અને કમરના ભાગે, રિક્ષાચાલક મોહસીનને જમણા પગે, તેમના મિત્ર સાહિલ મોહમદને જમણા હાથ અને પગમાં તેમજ 12 વર્ષીય બાળકીને બંને પગમાં ઈજાઓ થઈ હતી. આઈશરચાલકે વાહન રોક્યું હતું અને ઈજાગ્રસ્તોને બે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન સવારે 7:30 વાગ્યે ફરજ પરના તબીબે ખલીલ અહેમદ શેખને મૃત જાહેર કર્યા. જુલેખાબેનને વધુ સારવાર માટે ઉસ્માનપુરા સ્થિત ખેતેશ્વર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ટ્રાફિક પોલીસે આઈશર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બીજી ઘટના નરોડા એસપી રિંગ રોડ પર સ્ટાર એમ્પાયર સામેના જાહેર માર્ગ પર બની હતી. સૈજપુર બોઘા વિસ્તારમાં સૈજપુરા રેલવે સ્ટેશન પાસે આવેલી ગંગી મહારાજની જૂની ચાલીમાં રહેતા ધનપાલસિંહ લહુરીસિંહ ચૌહાણ (60)ના 24 વર્ષીય પુત્ર વિશાલ મેમકો પાસે આવેલી મારુતિ એસ્ટેટમાં નોકરી કરતો હતો. રવિવારે રાત્રે વિશાલ નરોડા એસપી રિંગ રોડ પર સ્ટાર એમ્પાયર સામે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. તે સમયે દાસ્તાન સર્કલ તરફથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલા ટ્રકચાલકે તેને જોરદાર ટક્કર મારી. ટ્રકની ટક્કરથી વિશાલ રસ્તા પર પટકાયો અને તેને માથા, મોઢા, બંને હાથ-પગ સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી. ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટ્રકચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. મૃતકના પિતા ધનપાલસિંહ ચૌહાણની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.