અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભારે વાહનોની અડફેટે થયેલા ત્રણ ગંભીર માર્ગ અકસ્માતમાં 20 વર્ષનો યુવક અને બે વૃદ્ધો સહિત કુલ ત્રણ લોકોના મોત થયા છે. ટ્રાફિક પોલીસે ત્રણેય ઘટનાઓમાં ગુનો નોંધીને ડમ્પર, ઇલેક્ટ્રિક બસ અને એસટી બસના ચાલકને ઝડપવા માટે તપાસ શરૂ કરી છે.
પ્રથમ ઘટના: નારોલ-વટવા કેનાલ રોડ પર રહેતા 55 વર્ષીય વ્યક્તિએ K-ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમનો 20 વર્ષનો ભત્રીજો 17 નવેમ્બરે બપોરે 3:30 વાગ્યે મોપેડ લઈને વિશાલાથી નારોલ સર્કલ તરફ જઈ રહ્યો હતો. રસ્તામાં મોપેડ સરકી જતાં તે નીચે પટકાયો અને તે જ સમયે પાછળથી ઝડપથી આવી રહેલા ડમ્પરે તેને કચડી નાખ્યો. યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
બીજી ઘટના: ખોખરામાં ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા 31 વર્ષીય યુવકે I-ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમના 60 વર્ષીય પિતા 12 નવેમ્બરે રાત્રે 11 વાગ્યાના અરસામાં સીટીએમ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે બીઆરટીએસ કોરિડોરમાં રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે ઝડપથી આવી રહેલી ઇલેક્ટ્રિક બસના ચાલકે તેમને ટક્કર મારી, જેમાં તેમને માથા અને શરીરે ગંભીર ઈજાઓ થઈ. 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં બે દિવસની સારવાર બાદ 15 નવેમ્બરે બપોરે 1:45 વાગ્યે તેમનું મોત થયું. પરિવારજનોએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ગુમની નોંધ લખાવવા જતાં આ અકસ્માતની જાણ થઈ.
ત્રીજી ઘટના: નરોડા ગામમાં મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ પાસે રહેતા 36 વર્ષીય યુવકે G-ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમના 66 વર્ષીય મોટા પિતા નરોડા જીઆઈડીસીમાં નોકરી કરતા હતા. 2 નવેમ્બરે સાંજે 5:45 વાગ્યે તેઓ નોકરી પરથી પાછા ફરીને સુતરના કારખાના ત્રણ રસ્તા પાસે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે નરોડા ગેલેક્સી તરફથી ઝડપથી આવી રહેલી ગુજરાત એસટી બસના ચાલકે તેમને ટક્કર મારીને રસ્તા પર પછાડી દીધા. માથા અને જમણા પગે ગંભીર ઈજાઓ થતાં તેમને સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન 6 નવેમ્બર 2026ના રોજ વહેલી સવારે 4 વાગ્યે તેમનું મોત થયું. અંતિમ ક્રિયા બાદ પરિવારે બસનો નંબર મેળવીને 17 નવેમ્બરે ફરિયાદ નોંધાવી.