સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં અકસ્માતોની હારમાળા: CTM બ્રિજ પર વિદ્યાર્થિની સહિત 4ના મોત

અમદાવાદમાં અકસ્માતોની હારમાળા: CTM બ્રિજ પર વિદ્યાર્થિની સહિત 4ના મોત

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોમાં અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં થયેલા ચાર અલગ-અલગ અકસ્માતોમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં એક 17 વર્ષીય વિદ્યાર્થિનીનો પણ સમાવેશ થાય છે.

મળતી માહિતી મુજબ, વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય અદિતિ રવિસિંહ કુશ્વાહ ભાવના સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. ગત બુધવારે અદિતિ સંબંધીની એક્ટિવા લઈને CTM ખાતે પુસ્તક લેવા માટે નીકળી હતી. ઘરેથી નીકળ્યાના માત્ર 25 મિનિટમાં જ CTM બ્રિજ પર એક અજાણ્યા વાહને તેને ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે અદિતિ રોડ પર પટકાઈ અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક સારવાર માટે ખસેડાયેલી અદિતિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

આ અંગે 'I' ડિવિઝન ટ્રાફિક પોલીસને જાણ કરાતાં પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધ્યો છે. બ્રિજની આસપાસના CCTV ફૂટેજના આધારે ફરાર ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત, શહેરમાં બનેલી અન્ય ત્રણ અલગ-અલગ અકસ્માતની ઘટનાઓમાં પણ ત્રણ લોકોના મોત થયા છે. આસ્ટોડિયા દરવાજાથી ગીતા મંદિર ST સ્ટેન્ડ તરફ જતા રોડ પર રિક્ષાની અડફેટે એક અજાણ્યા વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ અંગે 'K' ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બીજી ઘટનામાં, કૃષ્ણનગરના વિજયપાર્ક બસ સ્ટેન્ડ પાસે 50 વર્ષીય આધેડનું અકસ્માતમાં મોત થયું હતું. ત્રીજી ઘટનામાં, કાંકરિયા વિસ્તારમાં રહેતા 68 વર્ષીય પ્રેમચંદભાઈ પરમાર કાગડાપીઠ T-પોઇન્ટ પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે રિક્ષાની અડફેટે આવી જતાં સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું હતું.

શહેરમાં વધતી જતી અકસ્માતની ઘટનાઓએ રહેવાસીઓમાં ચિંતા ફેલાવી છે. ટ્રાફિક પોલીસે તમામ કેસોમાં તપાસ શરૂ કરી છે અને ફરાર વાહનચાલકોને પકડવા માટે CCTV ફૂટેજની મદદ લેવામાં આવી રહી છે.