સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં 5 વર્ષમાં 6 હજાર અકસ્માત, 1,634 મોત: AMC-પોલીસની વ્યવસ્થા પર સવાલ

અમદાવાદમાં 5 વર્ષમાં 6 હજાર અકસ્માત, 1,634 મોત: AMC-પોલીસની વ્યવસ્થા પર સવાલ

અમદાવાદમાં માર્ગ અકસ્માતોની સ્થિતિ ગંભીર બની રહી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસના વર્ષ 2021 થી જુલાઈ 2026 સુધીના સત્તાવાર રેકોર્ડ અનુસાર, આ સાડા પાંચ વર્ષમાં શહેરમાં 6,000થી વધુ ગંભીર માર્ગ અકસ્માતો થયા છે. આ અકસ્માતોમાં કુલ 1,634 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 3,100થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘણા લોકોને લાંબા સમય સુધી શારીરિક તકલીફ વેઠવી પડી રહી છે.

એસ.જી. હાઇવે, સિંધુભવન રોડ અને એસ.પી. રિંગ રોડ જેવા ઝડપી માર્ગો શહેરના સૌથી જોખમી વિસ્તારો બની ગયા છે. આ રસ્તાઓ પર બેફામ વાહન ચલાવવાને કારણે સતત જીવલેણ અકસ્માતો થઈ રહ્યા છે.

શહેરમાં દોડતી સરકારી અને મ્યુનિસિપલ બસો પણ અકસ્માતોમાં મોટો હિસ્સો ધરાવે છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS), બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (BRTS) અને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવહાણ નિગમ (GSRTC)ની બસો આ સમયગાળામાં કુલ 362 અકસ્માતોમાં સંડોવાયેલી હતી, જેમાં 138 લોકોએ જીવ ગુમાવ્યો. એકલી AMTS બસોએ 185 અકસ્માતો કર્યા, જેમાં 62 લોકોના મોત થયા. વર્ષ 2023માં એક જ વર્ષમાં 17 મોત સાથે આ આંકડો સૌથી ઊંચો રહ્યો. BRTS કોરિડોરમાં પણ 84 અકસ્માતોમાં 37 લોકોના મોત થયા, જ્યારે GSRTCની બસોથી 39 લોકોએ જીવ ગુમાવ્યો.

મ્યુનિસિપલ બસોમાંથી મોટાભાગની ખાનગી કોન્ટ્રાક્ટરો દ્વારા ચલાવવામાં આવે છે. ડ્રાઇવરો પર નિશ્ચિત ટ્રિપ અને કડક સમયપત્રક પૂરું કરવાનું દબાણ રહે છે, જેના કારણે સ્પીડ વાયલેશન અને સિગ્નલ કૂદવાના બનાવો વારંવાર બને છે.

શહેરમાં ઝડપી બાંધકામ અને માલસામાનની હેરફેરને કારણે ભારે વાહનોની સંખ્યા પણ વધી છે. ડમ્પર, ફ્રેટ ટ્રક અને રેડી-મિક્સ કોંક્રીટ (RMC) મિક્સર જેવા ભારે વાહનો દ્વારા 2021 થી જુલાઈ 2026 વચ્ચે 521 અકસ્માતો થયા, જેમાં 270 લોકોના મોત થયા અને 182 લોકો કાયમ માટે અપંગ કે ગંભીર રીતે ઘાયલ થયા. દિવસના વ્યસ્ત સમયમાં 'નો-એન્ટ્રી'ના આદેશ હોવા છતાં, ભારે ડમ્પર અને ટ્રકો રાત્રે 11 વાગ્યા પછી ઝડપથી દોડે છે. ડ્રાઇવરો વધારાની ટિપ અને કમિશન મેળવવા માટે સ્પીડ ગવર્નર સાથે ચેડા કરે છે. નાઇટ શિફ્ટ દરમિયાન પૂરતી ઊંઘ ન મળવાને કારણે વહેલી સવારે ઝોકાં આવવાથી ભયાનક અકસ્માતો થાય છે.

કુલ અકસ્માત અને મૃત્યુઆંકમાં ખાનગી વાહનો સૌથી આગળ છે. 2021થી અત્યાર સુધીમાં 5,145 અકસ્માતોમાં 1,226 લોકોએ જીવ ગુમાવ્યો. માત્ર 2026ના પ્રથમ સાત મહિનામાં જ 560 અકસ્માતોમાં 118 લોકોએ જીવ ગુમાવ્યો. કાર ચાલકોની સરખામણીમાં ટુ-વ્હીલર ચાલકોને સૌથી વધુ મોતનો સામનો કરવો પડ્યો છે. 2,236 અકસ્માતોમાં 665 લોકોએ જીવ ગુમાવ્યો, જ્યારે કારના 2,909 અકસ્માતોમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા.

આ આંકડા દર્શાવે છે કે શહેરમાં માર્ગ સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિક નિયંત્રણમાં ગંભીર કમી છે. AMC અને ટ્રાફિક પોલીસની કાર્યપદ્ધતિ પર લોકોમાં પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.