અમદાવાદ શહેરમાં હવાના પ્રદૂષણને ધ્યાનમાં રાખીને રેડી મિક્સ કોન્ક્રિટ (RMC) પ્લાન્ટ માટે નવી પોલિસી મંજૂર કરવામાં આવી છે. બુધવારે ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પોલિસી હેઠળ હવે બાંધકામ સાઇટ પર જ RMC પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી મળશે.
નવી પોલિસી અનુસાર, 7,500 ચોરસ મીટર સુધીના પ્લોટમાં RMC પ્લાન્ટ તે જ પ્લોટની અંદર સ્થાપવો પડશે. જ્યારે 7,500 ચોરસ મીટરથી મોટા પ્લોટમાં પ્લાન્ટ પ્લોટની અંદર અથવા બાંધકામ સાઇટથી એક કિલોમીટરની ત્રિજ્યામાં સ્થાપી શકાશે. આ ઉપરાંત વ્યાપારી હેતુથી RMC પ્લાન્ટ ચલાવવા માટે પણ અલગ જોગવાઈ કરવામાં આવી છે.
બાંધકામના ચોક્કસ પ્રોજેક્ટ માટે સ્થાપવામાં આવતા ઓનસાઇટ RMC પ્લાન્ટ માટે વાર્ષિક લાઇસન્સ ફી રૂપિયા 25,000 નક્કી કરવામાં આવી છે. આ પ્લાન્ટમાં તૈયાર થતું કોન્ક્રિટ ફક્ત સંબંધિત પ્રોજેક્ટમાં જ વાપરી શકાશે, અન્ય સ્થળે તેનો ઉપયોગ કરી શકાશે નહીં. ઓનસાઇટ પ્લાન્ટ માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) પાસેથી જરૂરી NOC લેવી પડશે. ઉપરાંત, સ્ટ્રક્ચર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવું અને સ્થળ પર સલામતીની વ્યવસ્થા કરવી પડશે. પ્લાન્ટમાં આવતા-જતા મિક્સર, ડમ્પર અને ટ્રકથી ધૂળનું પ્રદૂષણ ન ફેલાય તે માટે ગ્રીન નેટ લગાવવાની તથા સ્પ્રિંકલરથી પાણીનો છંટકાવ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
વ્યાપારી હેતુથી કોન્ક્રિટ તૈયાર કરીને વેચતા ઓફસાઇટ RMC પ્લાન્ટ માટે વાર્ષિક લાઇસન્સ ફી રૂપિયા 50,000 અને રૂપિયા 5 લાખની ડિપોઝિટ નક્કી કરવામાં આવી છે. આવા પ્લાન્ટ ઇન્ડસ્ટ્રિયલ ઝોન જનરલ, જનરલ એગ્રીકલ્ચર ઝોન, પ્રાઇમ એગ્રીકલ્ચર ઝોન અને લોજિસ્ટિક ઝોનમાં સ્થાપી શકાશે. ઓફસાઇટ પ્લાન્ટમાં એર ક્વોલિટી મોનિટર, હાઇ રિઝોલ્યૂશન કેમેરા અને એન્ટી સ્મોગ મશીન લગાવવાં ફરજિયાત રહેશે. પ્લાન્ટ તથા ત્યાં કામ કરતા શ્રમિકો અને અન્ય કર્મચારીઓ માટે ઇન્સ્યોરન્સ કરાવવાનો રહેશે. પ્લાન્ટના પ્રવેશદ્વારથી જાહેર રસ્તા સુધીના ભાગને RCC અથવા ડામરથી તૈયાર કરવાની જવાબદારી ઝોનલ કચેરીની રહેશે.
નવી પોલિસીમાં નિયમોનું પાલન ન કરવા બદલ દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. ઓફસાઇટ પ્લાન્ટ લાઇસન્સ વિના ચાલુ રાખવામાં આવે તો તેને સીલ કરવાની સાથે રૂપિયા 1 લાખનો દંડ વસૂલવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન ચાલુ રહે તો દરરોજ રૂપિયા 10,000નો દંડ થઈ શકે છે. ઓનસાઇટ પ્લાન્ટ લાઇસન્સ વિના ચાલુ રાખવામાં આવે તો પ્રતિદિન રૂપિયા 1,000નો દંડ વસૂલવાની જોગવાઈ છે. બંને પ્રકારના પ્લાન્ટ માટે લાઇસન્સ ટુ યુઝ સર્ટિફિકેટની માન્યતા એક વર્ષની રહેશે. તેની સમયમર્યાદા પૂરી થાય તેના 30 દિવસ પહેલાં નવી અરજી કરવાની રહેશે. હાલમાં કોર્પોરેશનની હદમાં ચાલતા RMC પ્લાન્ટને પણ માર્ગદર્શિકા જાહેર થયાના 60 દિવસમાં અરજી કરવી પડશે.
ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે અગાઉ કોર્પોરેશન પાસે RMC પ્લાન્ટ સ્થાપવા માટે કોઈ નીતિ નહોતી. હવે આ અંગે પોલિસી તૈયાર કરવામાં આવી છે. હાલમાં કોર્પોરેશનની હદમાં આશરે 19 RMC પ્લાન્ટ કાર્યરત છે.