અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સ્થિત મલ્ટીલેવલ પાર્કિંગમાં 27 સપ્ટેમ્બરે યોજાયેલી કાર અને બાઇકના ડિસ્પ્લે ઇવેન્ટમાં મંજૂરી વગર સ્ટંટ કરવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) એ આયોજક સામે કાર્યવાહી કરતાં તેની 1 લાખ રૂપિયાની ડિપોઝિટ જપ્ત કરી છે.
રિવરફ્રન્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મલ્ટીલેવલ પાર્કિંગનું ધાબું 2 લાખ રૂપિયાના ભાડે ઇવેન્ટ માટે આપવામાં આવ્યું હતું, પરંતુ તેમાં ફક્ત કાર અને બાઇકના ડિસ્પ્લેની જ મંજૂરી હતી. સ્ટંટ માટે કોઈ પરવાનગી આપવામાં આવી નહોતી. તેમ છતાં ઇવેન્ટ દરમિયાન સ્ટંટ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
ઇવેન્ટનું આયોજન મહારાષ્ટ્રના કબીર સધવાણી દ્વારા કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. ઇવેન્ટમાં એક બાઇકચાલક સ્ટંટ કરતી વખતે કાબૂ ગુમાવતાં બાઇક સાથે પટકાયો હોવાની માહિતી મળી છે, જોકે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. કારમાંથી આગ નીકળતી હોય તે પ્રકારનો સ્ટંટ પણ કરવામાં આવ્યો હતો. ઇવેન્ટ બાદ પાર્કિંગના ધાબા પર બાઇકના ટાયરના નિશાન જોવા મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર ઘટનાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે, જેમાં કાર અને બાઇકના ડિસ્પ્લે સાથે સ્ટંટ કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઘટના સામે આવ્યા બાદ રિવરફ્રન્ટ તંત્રે આયોજકને લેખિત નોટિસ આપી હતી અને નિયમોનું ઉલ્લંઘન થયાનું જણાતાં 1 લાખ રૂપિયાની ડિપોઝિટ જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી.
રિવરફ્રન્ટ તંત્રના અધિકારીના જણાવ્યા મુજબ, મલ્ટીલેવલ પાર્કિંગની જગ્યાનો ઉપયોગ વધે અને રેવન્યુ મળી રહે તે હેતુથી ધાબું ઇવેન્ટ માટે ભાડે આપવામાં આવ્યું હતું. પરંતુ ભાડે આપેલી જગ્યાનો ઉપયોગ મંજૂર હેતુ સિવાય સ્ટંટ માટે કરવામાં આવ્યો હોવાનું સામે આવતાં આયોજક સામે કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, હાલ આ ઘટનાને લઈને કોઈ ફરિયાદ નોંધાઈ નથી. બાઇકચાલક પટકાયો હોવાની માહિતી હોવા છતાં કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. અકસ્માત થયો હોય તો સંબંધિત લોકો વચ્ચે અંદરોઅંદર સમાધાન થઈ ગયું હોવાની શક્યતા પોલીસ તરફથી વ્યક્ત કરવામાં આવી છે.