સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: રિવરફ્રન્ટનું 60 કરોડનું પાર્કિંગ વર્ષથી બંધ, ભાડાની આવક શૂન્ય

અમદાવાદ: રિવરફ્રન્ટનું 60 કરોડનું પાર્કિંગ વર્ષથી બંધ, ભાડાની આવક શૂન્ય

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર પાર્ક સામેનું 60 કરોડ રૂપિયાનું મલ્ટિલેવલ પાર્કિંગ છેલ્લા એક વર્ષથી બંધ છે. આ પાર્કિંગમાં 700 કાર અને 1000 ટુ-વ્હીલર પાર્ક થઈ શકે તેવી ક્ષમતા છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા હવે આ પાર્કિંગના 1થી 5 માળ 36.42 લાખ રૂપિયા વાર્ષિક ભાડે આપવાની કવાયત શરૂ કરાઈ છે.

આ પાર્કિંગનું લોકાર્પણ સપ્ટેમ્બર 2023માં ત્યારે કરવામાં આવ્યું હતું જ્યારે હાલના મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા. સ્માર્ટ સિસ્ટમથી સજ્જ આ પાર્કિંગમાં CCTV કેમેરા, ઈલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ પોઈન્ટ, QR કોડ આધારિત ટિકિટ, ડિજિટલ પેમેન્ટ મશીન, પાર્કિંગ સેન્સર અને બૂમ બેરિયર જેવી સુવિધાઓ છે. ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ દ્વારા કેટલા વાહનો પાર્ક થયા છે અને કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી મળે છે. આ પાર્કિંગ મોબાઈલ એપ્લિકેશન સાથે પણ જોડાયેલું છે.

અગાઉ એક વર્ષ પહેલાં આ પાર્કિંગ 50 લાખ રૂપિયામાં ભાડે આપવામાં આવ્યું હતું, પરંતુ કોન્ટ્રાક્ટરને મહિને એક લાખ રૂપિયાની પણ આવક ન થતાં તેણે કરાર રદ કરવાની રજૂઆત કરી હતી. ત્યારબાદ આ સાત માળની ઈમારત બિનઉપયોગી પડી છે. હાલમાં પાર્કિંગની સુવિધા બંધ હોવાથી લોકોને લાભ મળતો નથી અને તંત્રને પણ કોઈ આવક થઈ રહી નથી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ સિંધુ ભવન રોડ અને પ્રહલાદ નગરના મલ્ટિલેવલ પાર્કિંગ પણ વિવાદમાં આવી ચૂક્યા છે. અમદાવાદમાં નિષ્ફળ ગયેલા મલ્ટિલેવલ પાર્કિંગ માટે મ્યુનિસિપલ અધિકારીઓ અને શાસકો કરોડો રૂપિયા કેમ વેડફે છે તે સમજાતું નથી.

ભાડું ઘટાડવા માટે SRFDCL અધિકારીઓએ નવા ટેન્ડરમાં પહેલા અને બીજા માળે 856 ટુ-વ્હીલર અને 372 ફોર-વ્હીલર પાર્કિંગની વ્યવસ્થા દર્શાવી છે, જ્યારે અગાઉ 1000થી વધુ ટુ-વ્હીલર અને 700થી વધુ ફોર-વ્હીલર પાર્ક થઈ શકતા હતા. એટલે કે 500 વાહનોની પાર્કિંગ ક્ષમતા ઘટાડવામાં આવી છે. સાતમો માળ ગાર્ડન રેસ્ટોરન્ટ માટે અનામત રખાયો છે અને છઠ્ઠો માળ તેના પાર્કિંગ માટે ખાલી રખાયો છે, જેના કારણે ભાડાની રકમમાં ઘટાડો થયો છે.