અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર એક જ બાઇક પર પાંચ યુવકો દ્વારા જોખમી સ્ટંટ કરવામાં આવ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના ઉસ્માનપુરાથી ઇન્કમટેક્સ બ્રિજ તરફ જતા માર્ગ પર બની હતી.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બાઇક પર ચાર યુવકો બેઠા છે, જ્યારે પાંચમો યુવક બાઇકની બાજુમાં લટકતો હતો. આ જોખમી સ્ટંટને કારણે રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષા ભારે જોખમમાં મૂકાઈ હતી.
આ વીડિયો સામે આવતા જ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં ખબર પડી કે બાઇકના પાછળના ભાગે નિયમ મુજબની નંબર પ્લેટ નહોતી, પરંતુ 'રામાધણી' લખેલું હતું. આગળના ભાગની નંબર પ્લેટના આધારે પોલીસે શોધ કરતા આ બાઇક શાહપુર વિસ્તારમાં રહેતા ટીનાબેન પરમારના નામે નોંધાયેલી હોવાનું જાણવા મળ્યું.
વધુ તપાસમાં સામે આવ્યું કે ઘટના સમયે બાઇક 20 વર્ષીય હાર્દિક વાઘેલા ચલાવી રહ્યો હતો. તેની પાછળ ત્રણ સગીરો બેઠા હતા, જ્યારે 18 વર્ષીય જશવંત સોલંકી બાજુમાં લટકતો હતો. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આ બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસે જણાવ્યું કે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા અને ફેન્સી નંબર પ્લેટ લગાવીને જાહેર માર્ગ પર જોખમ ઊભું કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવા સ્ટંટ કરનારાઓ માટે કાયદાનું પાલન કરવું જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.