અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર 22 ઓક્ટોબરની રાત્રે બે અલગ-અલગ હિટ એન્ડ રનની ઘટનાઓ બની હતી, જેમાં બે યુવકોના જીવ ગયા છે. આ બંને ઘટનાઓમાં અજાણ્યા વાહનચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રથમ ઘટના નિકોલ સર્વિસ રોડ પર બની હતી. મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના મેઘનગર તાલુકાના મદરાની ગામના વતની અને અમદાવાદમાં કડિયાકામ કરતા 26 વર્ષીય નાહટીયા કટારા રાત્રે લગભગ 10 વાગે સર્વિસ રોડ પર ચાલીને જઈ રહ્યા હતા. તે સમયે એક અજાણ્યા વાહનચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવીને તેમને અડફેટે લીધા. વાહનનું ટાયર તેમના પેટ અને કમરના ભાગે ફરી વળતાં ગંભીર ઈજાઓ થઈ અને ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું. અકસ્માત સર્જીને વાહનચાલક ફરાર થઈ ગયો હતો. પરિવારે વતન જઈ અંતિમવિધિ પૂર્ણ કર્યા બાદ 'આઈ' ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
બીજી ઘટના વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ સર્કલ તરફ જતા માર્ગ પર બની હતી. ચાંદખેડા ન્યૂ સી.જી. રોડ પર દેવનંદન સ્કાયમાં રહેતા 39 વર્ષીય પ્રણવ મિસ્ત્રી રાત્રે લગભગ 8:30 વાગે મોટરસાઇકલ લઈને રિંગ રોડ પર જઈ રહ્યા હતા. ત્રાગડ અંડરપાસ પહેલાં એક ફોરવ્હીલ કારના ચાલકે ઓવરસ્પીડમાં ગાડી ચલાવીને તેમની બાઇક તથા એક ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારી દીધી. અકસ્માતમાં મોઢા અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ થતાં પ્રણવને પ્રથમ સોલા સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા. અકસ્માત બાદ કારચાલક ગાડી લઈને ઝુંડાલ તરફ નાસી છૂટ્યો હતો. આ મામલે 'એલ' ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.