સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં રિક્ષા-ટેક્સી ચાલકોએ 7થી 10 સપ્ટેમ્બર હડતાલ જાહેર કરી

અમદાવાદમાં રિક્ષા-ટેક્સી ચાલકોએ 7થી 10 સપ્ટેમ્બર હડતાલ જાહેર કરી

અમદાવાદમાં રિક્ષા અને ટેક્સી ચાલકોએ આગામી 7થી 10 સપ્ટેમ્બર દરમિયાન ચાર દિવસની હડતાલ જાહેર કરી છે. યુનિયનના જણાવ્યા અનુસાર, હડતાલને કારણે શહેરમાં આશરે બે લાખ રિક્ષા અને ટેક્સી સેવામાંથી બહાર રહેશે.

રિક્ષા અને ટેક્સી ચાલકોનો આરોપ છે કે ઓનલાઇન બુકિંગ એપ્લિકેશન દ્વારા તેમને સરકારી નિયમો અનુસાર પૂરતું વળતર મળતું નથી. તાજેતરમાં ગેસના ભાવમાં વધારો થયો હોવા છતાં, એપ્લિકેશનો કંપનીઓ યોગ્ય ભાડું આપતી નથી તેવી ફરિયાદ યુનિયને કરી છે.

અમદાવાદ ટેક્સી ડ્રાઇવર યુનિયનના જણાવ્યા મુજબ, શહેરમાં ટેક્સી માટે ચોક્કસ ભાડું નક્કી કરવામાં આવ્યું નથી. વર્ષ 2023માં વાહન વ્યવહાર કચેરીએ મીટર આધારિત ટેક્સી વ્યવસ્થા લાગુ કરવાનો પરિપત્ર જાહેર કર્યો હતો, પરંતુ હજુ પણ મોટાભાગની ટેક્સી મીટર વગર ચાલે છે. આથી યુનિયને ચોક્કસ ભાડું નક્કી કરવાની માગણી કરી છે.

આ ઉપરાંત, ખાનગી પાસિંગવાળા વાહનોનો ઉપયોગ ટેક્સી તરીકે થઈ રહ્યો હોવાનો આરોપ કરીને તેમની સામે કડક કાર્યવાહીની માગણી પણ યુનિયને કરી છે. જો માગણીઓ પૂરી નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપવામાં આવી છે.

આ હડતાલને કારણે શહેરના મુસાફરો, ખાસ કરીને ઓફિસ જતા લોકો અને રોજિંદા મુસાફરોને રિક્ષા અને ટેક્સી મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.