અમદાવાદમાં એક નિવૃત્ત આર્મીમેન સાથે મોટી સાયબર છેતરપિંડી થઈ છે. લશ્કરી ઇજનેરી સેવા (MES)માં ઇલેક્ટ્રિશિયન તરીકે ફરજ બજાવી ચૂકેલા 48 વર્ષીય જનકસિંહ સબળસિંહ ઝાલા પાસેથી ઠગોએ રૂ. 46,92,621.80 પડાવી લીધા છે.
ફરિયાદ મુજબ, જનકસિંહને ફેસબુક પર 'Quantum AI' નામની જાહેરાત દેખાઈ હતી, જેમાં માત્ર રૂ. 22,000નું રોકાણ કરીને દર મહિને રૂ. 3,50,000 જેટલી આવક કમાવાનું વચન આપવામાં આવ્યું હતું. આ જાહેરાત પર ક્લિક કરીને જનકસિંહે પોતાની વિગતો ભરતાં જ ઠગો સાથે સંપર્કમાં આવ્યા હતા.
ઠગોએ પોતાને નિષ્ણાત એકાઉન્ટ મેનેજર ગણાવીને જનકસિંહને bxbmarkets.com નામની બોગસ વેબસાઇટ પર રજિસ્ટર કર્યા હતા. ત્યારબાદ સોનું, ચાંદી અને ક્રૂડ ઓઇલ જેવી કોમોડિટીમાં ઓનલાઇન ટ્રેડિંગ કરવાની ટીપ્સ આપીને તેમનો વિશ્વાસ કેળવ્યો હતો. શરૂઆતમાં ઠગોએ વેબસાઇટ પર નફો દર્શાવીને જનકસિંહને વધુ રોકાણ કરવા પ્રેર્યા હતા.
જનકસિંહે UPI અને RTGS મારફતે અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ. 70,82,571.80 ટ્રાન્સફર કર્યા હતા. જોકે, જ્યારે તેમણે પોતાના પૈસા પાછા મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે ઠગોએ માત્ર રૂ. 23,89,950 પરત કર્યા હતા અને બાકીની રકમ આપવાનો ઇનકાર કરી દીધો હતો. ઠગોએ જનકસિંહને વધુ રોકાણ કરવાની શરતે જ પૈસા પરત કરવાની વાત કરી હતી.
છેતરપિંડી સમજાતાં જનકસિંહે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી છે. પોલીસે કાયદાકીય તપાસ શરૂ કરી છે. આ ઘટના સોશિયલ મીડિયા પરની આકર્ષક જાહેરાતો પર વિશ્વાસ ન કરવાની ચેતવણી આપે છે.