અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના ઉત્તર ઝોનના સરસપુર-રખિયાલ વોર્ડમાં રિવાઇઝ્ડ ડેવલપમેન્ટ પ્લાન (RDP)ની રોડલાઇનમાં આવતા બાંધકામો સામે બુલડોઝરની કાર્યવાહી કરી છે. ત્રિકમલાલ ચાર રસ્તાથી એવરેસ્ટ ચાર રસ્તા સુધીના આશરે 700 મીટર લાંબા માર્ગને 30.50 મીટર પહોળો કરવા માટે રોડલાઇનમાં આવતા કુલ 83 બિનરહેણાંક બાંધકામો સામે તોડકામ હાથ ધરવામાં આવ્યું છે.
RDPના અમલીકરણ દરમિયાન કોઈ વિરોધ કે અડચણ ન ઊભી થાય તે માટે સ્થાનિક પોલીસના ચુસ્ત બંદોબસ્તમાં આ ડિમોલિશનની કામગીરી પાર પાડવામાં આવી હતી. રોડલાઇનમાં બાધારૂપ બનતા બિનરહેણાંક બાંધકામો દૂર કરીને માર્ગને RDP મુજબ પહોળો અને વિકસિત કરવાની દિશામાં કોર્પોરેશને પગલું ભર્યું છે.
આ ઉપરાંત, લાલ દરવાજા જિલ્લા પંચાયત કચેરી સામેના દબાણો પણ દૂર કરવામાં આવ્યા છે. અહીં પાથરણા પાથરીને વેપાર કરતા પાથરણાવાળાઓ સામે કાર્યવાહી કરી તેમનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. RDPની રોડલાઇનના અમલીકરણની સાથે-સાથે જાહેર રસ્તાઓ અને ફૂટપાથ પરના દબાણો સામે પણ કોર્પોરેશને ઝુંબેશ વધુ તેજ કરી છે.