અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રાજપુર તોલનાકા પાસે, કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન અને સેન્ટ જોસેફ હાઈસ્કૂલ સામે આવેલી 'શ્રમજીવી ગ્રાહક સહકારી ભંડાર લિમિટેડ' નામની સસ્તા અનાજની દુકાન ભારે વિવાદમાં છે. ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મળતા સરકારી રાશનમાં 2 થી 5 કિલો ઓછું અનાજ આપવામાં આવતું હોવાના આક્ષેપો સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.
સ્થાનિક લાભાર્થીઓના આક્ષેપ મુજબ, દુકાન સંચાલક અને ઈરફાન નામના એક ખાનગી શખ્સ દ્વારા ગરીબોના હકનું અનાજ ચાઉં કરવામાં આવી રહ્યું છે. કાર્ડધારકોને મળવાપાત્ર કુલ જથ્થામાંથી દર વખતે 2 થી 5 કિલો જેટલું ઓછું અનાજ આપવામાં આવે છે. જ્યારે વાજબી ભાવના ગ્રાહકો પૂરા અનાજ અંગે પૂછપરછ કરે છે ત્યારે 'પાછળથી જ સ્ટોક ઓછો આવ્યો છે' તેવો જવાબ આપીને લોકોને રવાના કરી દેવામાં આવે છે.
ગરીબી રેખા હેઠળ જીવતા પરિવાર માટે થોડું અનાજ પણ આખા મહિનાના ચૂલાનો આધાર હોય છે. જાહેર વિતરણ વ્યવસ્થા (PDS)માં ડિજિટલ મશીનો હોવા છતાં જો માપનમાં જ ગરબડ કરીને ગરીબોના અધિકાર સાથે ચેડાં થતા હોય, તો તે સમગ્ર વિતરણ વ્યવસ્થાની નીતિમત્તા સામે મોટો પ્રશ્નાર્થ છે.
આ મામલે સ્થાનિક નાગરિકોએ પુરવઠા વિભાગ દ્વારા કડક તપાસની માગ કરી છે. તેમનું કહેવું છે કે માત્ર કાગળ પર તપાસ કરવાને બદલે દુકાનનો ભૌતિક સ્ટોક, આવક-જાવકના રજિસ્ટર, ઈ-પીઓએસ ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી અને ગ્રાહકોના રેકોર્ડનું સ્વતંત્ર ઓડિટ કરવું જોઈએ. જો તપાસમાં ગેરરીતિ સાબિત થાય તો જવાબદારો સામે કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ પ્રબળ બની છે.