સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: દુષ્કર્મ કેસના આરોપીને ભગાડવામાં ASI સામે ગુનો નોંધાયો

અમદાવાદ: દુષ્કર્મ કેસના આરોપીને ભગાડવામાં ASI સામે ગુનો નોંધાયો

અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મના કેસમાં જેલવાસ ભોગવી રહેલા કાચા કામના આરોપીને સારવાર બાદ જેલ મોકલવાને બદલે વસ્ત્રાલ તરફ લઈ જઈ ભગાડી દેવામાં મદદ કરનાર સંબંધી ASI રાજેશ દયારામ અને ફરાર આરોપી રાધે ઉર્ફે ગોપાલ વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ મામલે આર્મ્ડ પોલીસ ઇન્સ્પેક્ટરની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

પોલીસ સૂત્રો અનુસાર, આરોપી રાધે ઉર્ફે ગોપાલ રાજુ ઠક્કરને 27મી ઓક્ટોબરે સાબરમતી જેલમાંથી કોર્ટ મુદત માટે પોલીસ જાપ્તા સાથે લાવવામાં આવ્યો હતો. તબિયત લથડતાં તેને અસારવા સિવિલ હોસ્પિટલના લોકઅપ ગાર્ડમાં દાખલ કરાયો હતો. 29મી ઓક્ટોબરે બપોરે તબીબોએ તેને ડિસ્ચાર્જ કર્યો. નિયમ મુજબ તેને પૂરતા પોલીસ જાપ્તા સાથે જેલ હવાલે કરવાનો હતો.

જોકે, ફરજ પર તહેનાત ASI રાજેશ દયારામે આરોપીને પોતાનો સંબંધી ગણાવીને અન્ય સ્ટાફને સાથે રાખ્યા વગર એકલા જ રિક્ષામાં બેસાડીને વસ્ત્રાલ તરફ લઈ જવાનો નિર્ણય કર્યો. શરૂઆતમાં પોલીસ કંટ્રોલ રૂમમાં એવો સંદેશ આપવામાં આવ્યો હતો કે દૂધેશ્વર સર્કલ પાસે ટ્રાફિક જામનો લાભ લઈને આરોપી ફરાર થઈ ગયો છે. પરંતુ માધવપુરા અને રામોલ પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે ASI આરોપીને જેલ લઈ જવાને બદલે વસ્ત્રાલ લઈ ગયા હતા, જ્યાંથી તે નિરાંત ચાર રસ્તા પાસેથી પોલીસ પકડમાંથી નાસી છૂટ્યો.

ગંભીર ગુનાના આરોપીને ભગાડવામાં મદદ કરવા અને કાયદેસરની ફરજમાં બેદરકારી દાખવવા બદલ રામોલ પોલીસે ASI રાજેશ દયારામ તથા ફરાર આરોપી રાધે ઉર્ફે ગોપાલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ આરોપીની ધરપકડ માટે શોધખોળ કરી રહી છે.