સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: લગ્નની લાલચે 10 દિવસ સુધી દુષ્કર્મ, આરોપી કાસમની ધરપકડ

અમદાવાદ: લગ્નની લાલચે 10 દિવસ સુધી દુષ્કર્મ, આરોપી કાસમની ધરપકડ

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં 26 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપીને હોટેલમાં લઈ જઈને 10 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

યુવતીએ 14 ઓક્ટોબરે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, તે એપ્રિલ 2026માં ઇન્સ્ટાગ્રામ દ્વારા કાસમ સમસુદ હસન અંસારી નામના યુવકના સંપર્કમાં આવી હતી. ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લાનો રહેવાસી કાસમ પીડિતાના સોશિયલ મીડિયા એકાઉન્ટને ફોલો કરતો હતો અને તેને મેસેજ કરવા લાગ્યો હતો.

ફરિયાદ મુજબ, યુવતીએ શરૂઆતમાં આરોપીના મેસેજો અવગણ્યા હતા, પરંતુ તેણે વારંવાર સંપર્ક કરવાનું ચાલુ રાખ્યું હતું. યુવકે પીડિતાને જણાવ્યું હતું કે, 'તાજેતરમાં મેં સંબંધ તોડી નાખ્યો છે અને મને એક મહિલા મિત્ર જોઈએ છે.' આ પછી યુવતીએ જવાબ આપ્યો હતો. બંને વચ્ચે નિયમિત વાતચીત શરૂ થઈ અને બાદમાં કોન્ટેક્ટ નંબરની આપલે થઈ હતી.

જૂન 2026માં અંસારીએ પીડિતાને પ્રેમ કરે છે તેમ કહીને સંબંધ બાંધવાની માંગણી કરી હતી. જો કે, યુવતીએ માંગણીને ફગાવી દેતાં આરોપીએ વોટ્સએપ દ્વારા સંપર્ક કરવાનું અને માફી માંગવાનું ચાલુ રાખ્યું હતું.

ત્યારબાદ બંને ભૂંયગદેવ ચાર રસ્તા પાસે આવેલી ભાગ્યોદય હોટેલ ખાતે મળ્યા હતા, જેમાં પીડિતાની એક મિત્ર પણ તેની સાથે હતી. મુલાકાત દરમિયાન અંસારીએ કથિત રીતે તેની મરજી વિરુદ્ધ પીડિતાને ભેટી લીધી હતી અને ચુંબન કર્યું હતું. એ સમયે પીડિતાએ આરોપીના આ પ્રકારના વર્તનની ટીકા કરીને મિત્ર સાથે ત્યાંથી નીકળી ગઈ હતી. ફરિયાદ મુજબ, અંસારી 19 જુલાઈએ મહિલાના જન્મદિવસે મળ્યો હતો. ભૂંયગદેવ-કર્ણાવતી વિસ્તારમાં એક દાબેલીની દુકાને તેઓએ કેક કાપી હતી.

3 ઓક્ટોબરે રાત્રે આશરે 8 વાગ્યે અંસારીએ પીડિતાનો સંપર્ક કર્યો અને તેને પારસનગર રોડ પર મળવા જણાવ્યું હતું. ત્યારબાદ આરોપીએ પીડિતાને કથિત રીતે ઓટોરિક્ષામાં બેસાડી અને ઓઢવ વિસ્તારની એક હોટેલમાં લઈ ગયો હતો. આ દરમિયાન પીડિતાએ અંસારીને પૂછ્યું કે 'ક્યાં લઈ જઈ રહ્યો છે' પરંતુ થોડો સમય રોકાવા માટે તે વારંવાર આજીજી કરતો હતો.

ફરિયાદ અનુસાર, અંસારીએ હોટેલમાં એક રૂમ બુક કર્યો હતો અને 3 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર વચ્ચે ત્રણ વખત પીડિતાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન આરોપીએ લગ્ન કરશે તેવી લાલચ આપી હતી. જો કે, પીડિતાએ ઘરે પાછા જવા માટે વિનંતી કરવા છતાં તેને ઘરે જવા દીધી ન હતી અને મોબાઇલ ફોન પણ છીનવી લીધો હતો. જેના કારણે પીડિતા તેના પરિવારનો સંપર્ક કરી શકી નહોતી.

પીડિતાએ જણાવ્યું કે, 'મેં અંસારીને ઘરે લઈ જવા માટે વારંવાર કહ્યું હતું. આ પછી મને 13 ઓક્ટોબરે ઓટોરિક્ષામાં બેસાડીને પારસનગર વિસ્તારમાં પાછો લઈ આવ્યો હતો.' જો કે, 3 ઓક્ટોબરથી યુવતી ગુમ થઈ હોવાથી તેની માતા અને ભાઈએ ઘાટલોડિયા પોલીસનો સંપર્ક કર્યો હતો. પીડિતાએ ઘરે પરત ફર્યા બાદ પોતાના પરિવારને કથિત દુષ્કર્મ અને લગ્નના વચન વિશે જાણ કરીને સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ઘાટલોડિયા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે.