અમદાવાદના નરોડા પોલીસ મથકમાં નોંધાયેલા દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલા રાધે ઉર્ફે ગોપાલ રાજેશભાઈ ઠક્કરને પોલીસે પાંજરાપોળ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી ગત 29 ઓક્ટોબરે પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ જાપ્તામાં રહેલા ASI રાજેશભાઈ દયારામભાઈને બજારભાવ કરતાં સસ્તા ભાવે સોનું અપાવવાની લાલચ આપી હતી. આ લાલચમાં ASI તેને વસ્ત્રાલ સ્થિત સોના-ચાંદી જ્વેલર્સ પાસે લઈ ગયા હતા, જ્યાંથી તક મળતાં આરોપી નાસી છૂટ્યો હતો. આ મામલે રામોલ પોલીસે ASI અને રાધે સામે ગુનો નોંધ્યો છે.
વસ્ત્રાલથી ભાગ્યા બાદ આરોપી સીધો મુંબઈ પહોંચ્યો હતો, પરંતુ ત્યાં પૈસા ખૂટી પડતાં તે ફરી અમદાવાદ આવ્યો. પોલીસની પકડથી બચવા તેણે દાઢી કરાવી અને વાળ ટૂંકા કરાવીને પોતાનો લુક બદલી નાખ્યો હતો. તે ગોતા, શાહીબાગ, વટવા અને નરોડા વિસ્તારમાં રિક્ષામાં અવરજવર કરતો હતો.
ઝડપાયા બાદ તેણે પોલીસને ખોટું નામ આપી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કડક પૂછપરછમાં તેણે ગુનો કબૂલી લીધો.
તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મૂળ વડોદરાનો રહેવાસી છે અને અગાઉ મુંબઈમાં મીઠાઈની દુકાન ચલાવતો હતો. તેને ક્રિકેટ સટ્ટાની લત હતી. મુંબઈમાં તે એક યુવતીના સંપર્કમાં આવ્યો અને દુષ્કર્મ આચર્યું, જે અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. 30 ઓક્ટોબરે તેના કેસમાં કોર્ટનો ચુકાદો આવવાનો હતો.
ઉલ્લેખનીય છે કે ASIએ સિવિલ હોસ્પિટલમાં પોતાના સાથી કર્મચારીને કહ્યું હતું કે આરોપી તેમનો સંબંધી છે, જ્યારે હકીકતમાં તેમની વચ્ચે કોઈ સંબંધ નહોતો. આરોપી ફરાર થયા બાદ પોલીસ તંત્રને ગેરમાર્ગે દોરવા ASIએ કંટ્રોલ રૂમમાં પહેલાં માધુપુરા અને પછી રાત્રે વસ્ત્રાલ ચોકડીથી આરોપી ભાગી ગયો હોવાની ખોટી વર્ધી લખાવી હતી.