અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રામોલ પોલીસ સ્ટેશનથી રામોલ ગામ થઈને એસ.પી. રિંગ રોડને જોડતા મુખ્ય માર્ગ પર નવો ડામર રોડ બનાવાયો છે. પરંતુ રસ્તાની બરાબર વચ્ચે આવેલું વિશાળ નાળિયેરીનું ઝાડ હજુ સુધી હટાવવામાં આવ્યું નથી. આ ઝાડ વાહનચાલકો માટે જીવલેણ જોખમ બની ગયું છે.
સીટીએમ તરફથી આવતા-જતા વાહનોની આ રોડ પર ભારે અવરજવર રહે છે. રસ્તા પર વળાંક હોવા ઉપરાંત વચ્ચે ઊભેલા ઊંચા ઝાડના કારણે સ્ટ્રીટલાઇટનો પ્રકાશ પણ રસ્તા પર યોગ્ય રીતે પડતો નથી. પરિણામે રાત્રિના સમયે વાહનચાલકોને ઝાડ છેક નજીક પહોંચે ત્યાં સુધી દેખાતું નથી. આ કારણે અત્યાર સુધીમાં અહીં 3 નાના-મોટા અકસ્માતો થઈ ચૂક્યા છે.
વારંવાર બનતી દુર્ઘટનાઓને ધ્યાને લઈને ટ્રાફિક પોલીસે મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખીને આ જોખમી ઝાડ તાત્કાલિક હટાવવા જાણ કરી છે. છતાં AMCના અધિકારીઓ કે ઇજનેરો સ્થળ તપાસ કરવાની તસ્દી લેતા નથી.
સ્થાનિક રહીશોએ અગાઉ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. લોકોમાં ભારે રોષ છે અને તેઓ સવાલ પૂછી રહ્યા છે કે શું તંત્ર કોઈ નિર્દોષ નાગરિકનો જીવ જાય તેની રાહ જોઈ રહ્યું છે? જો સમયસર આ વૃક્ષને સુરક્ષિત રીતે અન્યત્ર ખસેડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મોટી જાનહાનિની શક્યતા છે.