અમદાવાદના રામોલ-હાથીજણ વોર્ડના રાજીવ નગરમાં વર્ષોથી વપરાતો રસ્તો બિલ્ડરને ફાઇનલ પ્લોટ ફાળવાતાં બંધ કરી દેવામાં આવ્યો છે. આથી સ્થાનિક રહેવાસીઓને પોતાના ઘર સુધી પહોંચવા માટે આશરે 1 કિલોમીટર ફરીને જવું પડે છે. આ સમસ્યાને લઈને સ્થાનિકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રાજીવ નગરના રહેવાસીઓ વર્ષોથી જે મુખ્ય માર્ગ કે પગદંડીનો ઉપયોગ કરતા હતા, તે રસ્તો બિલ્ડરને ફાઇનલ પ્લોટની ફાળવણી થતાં બંધ થઈ ગયો છે. જેના કારણે લોકોને રોજ 1 કિલોમીટરનો ફેરો કરવો પડે છે. આ પરિસ્થિતિમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને ખાસ હાલાકી થાય છે. કોઈ વ્યક્તિ અચાનક બીમાર પડે કે આગ જેવી ઇમરજન્સી સર્જાય તો 108 એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડના વાહનો પણ વિસ્તાર સુધી પહોંચી શકે તેમ નથી, તેવી ભીતિ સ્થાનિકોએ વ્યક્ત કરી છે.
આ ઉપરાંત, રાજીવ નગરમાં ગટર વ્યવસ્થા કથળેલી હોવાની અને દૂષિત પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાની ફરિયાદ પણ લોકોએ કરી છે. આંતરિક રસ્તાઓની દયનીય સ્થિતિ અને ગંદકી-કચરાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માગ પણ કરવામાં આવી છે. આ તમામ મુદ્દે સ્થાનિકોએ કોર્પોરેશન કચેરી ખાતે 'ભાજપ હાય હાય'ના સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.
વધુમાં, રામોલ-હાથીજણ વિસ્તારમાં 40થી વધુ ગેરકાયદે ડાઈંગ એકમો ચાલતા હોવાનો આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યો છે. આ એકમોમાંથી નીકળતા કેમિકલયુક્ત ગંદા પાણીને કારણે પર્યાવરણ અને સ્થાનિકોના સ્વાસ્થ્ય સામે ભય ઊભો થયો છે. તેથી આવા ગેરકાયદે એકમો સામે તપાસ કરીને તેમને તાત્કાલિક બંધ કરાવવાની માગણી કરવામાં આવી છે.
આ સમગ્ર મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી છે. જેમાં રસ્તાના પ્રશ્નનો વ્યવહારુ ઉકેલ લાવીને વૈકલ્પિક કે કાયમી માર્ગ પૂરો પાડવા તેમજ ગટર, પાણી અને સ્વચ્છતાના પ્રશ્નો ઉકેલવાની માગ કરવામાં આવી છે.