સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના રખિયાલમાં OLX ઠગાઈ: 'ડોક્ટર' બનીને મોબાઇલ વેપારી પાસેથી 99,000 રૂપિયા પડાવ્યા

અમદાવાદના રખિયાલમાં OLX ઠગાઈ: 'ડોક્ટર' બનીને મોબાઇલ વેપારી પાસેથી 99,000 રૂપિયા પડાવ્યા

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં મોબાઇલ લે-વેચનો વેપાર કરતા એક વેપારી સાથે 99,000 રૂપિયાની ઠગાઈ થઈ છે. ઠગે પોતાની ઓળખ ગ્રાહકના સાળા અને ગાંધીનગરના ડોક્ટર તરીકે આપીને વેપારીને વિશ્વાસમાં લીધો હતો.

રખિયાલ ખાતે મોબાઇલની દુકાન ચલાવતા મોહમદ આમિર પાસેથી ગ્રાહક પ્રવિણભાઇ પંચાલે 1.99 લાખ રૂપિયાનો સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ ખરીદ્યો હતો. ફોન ફાવતો ન હોવાથી પ્રવિણભાઇએ પોતાના દીકરા વરૂણના મોબાઇલથી OLX પર વેચાણ માટે જાહેરાત મૂકી હતી.

18 સપ્ટેમ્બરના રોજ એક અજાણ્યા શખ્સનો ફોન આવ્યો. તેણે પોતાની ઓળખ ગાંધીનગરના પ્રવિણભાઇના સાળા 'ડોક્ટર અમિત શર્મા' તરીકે આપી. ભેજાબોજે કહ્યું કે તેને આ મોંઘો ફોન ખરીદવો છે. વેપારી સાથે ભાવ નક્કી કરીને તેણે આખો પ્લાન બનાવ્યો.

વેપારીએ પોતાના મિત્ર અંસારી શકીલને ઓઢવ સ્થિત વરૂણ પાસે ફોન ચેક કરવા મોકલ્યો. ફોન બરાબર હોવાની ખાતરી થયા બાદ કથિત અમિત શર્માએ વેપારીને ફોન કરીને કહ્યું કે મોબાઇલ તેના મિત્ર પાસે આવી ગયો છે અને તે બારકોડ મોકલે છે, જેમાં 99,000 રૂપિયા મોકલી આપે. વિશ્વાસમાં આવીને વેપારીએ 'સાહીલ શકીલ શેખ' નામના બારકોડ પર ગૂગલ પે દ્વારા નાણાં ટ્રાન્સફર કરી દીધા.

નાણાં જમા થતાં જ ગઠિયાએ પોતાનો ફોન બંધ કરી દીધો. બીજી તરફ વરૂણે વેપારીના મિત્રને નાણાં ન મળ્યા હોવાનું કહેતાં સમગ્ર ઠગાઈનો ભાંડો ફૂટ્યો.

પોતાની સાથે છેતરપિંડી થયાનું જણાતાં વેપારીએ તાત્કાલિક સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કર્યો. ત્યારબાદ રખિયાલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે બારકોડ અને મોબાઇલ નંબરના આધારે ઠગને ઝડપી પાડવા ટેક્નિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફુટેજની મદદથી તપાસ શરૂ કરી છે.