સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના રખિયાલમાં યુવતીના વિવાદમાં યુવકનું ચપ્પુથી હત્યાનો પ્રયાસ, પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો

અમદાવાદના રખિયાલમાં યુવતીના વિવાદમાં યુવકનું ચપ્પુથી હત્યાનો પ્રયાસ, પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં યુવતીની બાબતે થયેલા વિવાદમાં એક યુવકે તેના મિત્ર પર ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો છે. ચકુડિયા મહાદેવ મંદિર સામે આવેલા પાનના ગલ્લા પર સોમવારે સાંજે આ ઘટના બની હતી. હુમલામાં 22 વર્ષીય મોહમ્મદ સુફેલ ઉર્ફે ગોલુ મોઇનુદ્દીન પઠાણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, જેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રખિયાલ પોલીસે આરોપી સમીર સિકંદર સૈયદ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, સુફેલ ગોમતીપુરના બળિયા કાકા ચાર રસ્તા પાસેની કાશીબાઈની ચાલીમાં રહે છે અને પોપ (POP) મજૂરીકામ કરે છે. સોમવારે સાંજે લગભગ 7 વાગ્યે તે તેના મિત્ર સમીર સિકંદર સૈયદ સાથે રખિયાલના ચકુડિયા મહાદેવ મંદિર સામેના પાનના ગલ્લા પર ઊભો હતો. તે દરમિયાન ચકુડિયા મહાદેવના છાપરામાં રહેતા તેમના પરિચિત સમીરે સુફેલને ફોન કરીને તેનું લોકેશન પૂછ્યું હતું. સુફેલે પોતે પાનના ગલ્લે હોવાનું જણાવતાં જ સમીર થોડી જ મિનિટોમાં એક્સેસ ટુ-વ્હીલર લઈને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

ત્યાં પહોંચતાં જ સમીરે યુવતીની બાબતને લઈને ઉગ્ર બનીને સુફેલ સાથે ગાળાગાળી શરૂ કરી હતી અને તેને મારવા લાગ્યો હતો. સુફેલે ગાળો બોલવાની અને મારપીટ કરવાની ના પાડતાં સમીર વધુ ઉશ્કેરાયો અને તેણે પોતાની પાસે રહેલું તીક્ષ્ણ ચપ્પુ કાઢીને સુફેલના માથા પર ઉપરાઉપરી બે ઘા માર્યા હતા.

હુમલા બાદ આરોપીએ ઇજાગ્રસ્ત સુફેલ અને ત્યાં હાજર તેના મિત્ર સમીર સિકંદર સૈયદને જાનથી મારી નાખવાની ધમકી આપી અને પોતાના ટુ-વ્હીલર પર નાસી ગયો હતો. લોહીલુહાણ હાલતમાં સુફેલ બાઈક ચલાવીને પોતાની ચાલીના નાકે પહોંચ્યો હતો, જ્યાં તેના મોટા ભાઈ આમીરખાને તેની ગંભીર હાલત જોઈ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. રખિયાલ પોલીસે આરોપી સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.