અમદાવાઢ શહેરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે પડેલા વરસાદે શહેરના ઠાકોર હોલ, નવરંગપુરા, સરખેજ, અસારવા અને વાસણા જેવા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જી છે. માત્ર એક કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ પડતાં આ વિસ્તારોમાં જળબંબાકાર થયો હતો.
પૂર્વ અમદાવાદના ઓઢવ, નિકોલ અને વિરાટનગર સહિતના વિસ્તારોમાં વરસાદની ભારે અસર જોવા મળી હતી. કેટલાક માર્ગો પર ઘૂંટણસમું પાણી ભરાતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. શહેરના પોશ વિસ્તારો ગણાતા ઇસ્કોન, સરખેજ અને સેટેલાઇટમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
સૌથી ચિંતાજનક દ્રશ્યો વસ્ત્રાપુરમાં જોવા મળ્યા હતા. સામાન્ય વરસાદ બાદ પણ વસ્ત્રાપુર રોડ પર પાણી ભરાઈ ગયા હતા, જે નીચાણવાળો વિસ્તાર ન હોવા છતાં આ સ્થિતિ સર્જાઈ હતી. આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે અને તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. વાહનચાલકોને પાણી ભરાવાના કારણે વાહનો બંધ થવાનો ભય રહેતા અનેક લોકોએ રોડનો ઉપયોગ કરવાનું ટાળ્યું હતું.
ઓઢવથી સોનીની ચાલી સુધીનો રસ્તો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ વિસ્તારમાં વર્ષોથી પાણી ભરાવવાની સમસ્યા યથાવત્ છે. સ્થાનિકોના મતે, ડ્રેનેજ અને વરસાદી પાણીના ઢાંકણા ખોલવામાં આવે તેમ છતાં પાણીનો નિકાલ થતો નથી. આ સમસ્યા પાછળ રોડના યોગ્ય લેવલિંગનો અભાવ મુખ્ય કારણભૂત હોવાનું જણાઈ રહ્યું છે. આખરે એન્જિનિયરો દ્વારા કયા પ્રકારની કામગીરી કરાય છે અને તેનું યોગ્ય સુપરવિઝન શા માટે થતું નથી તેવા પ્રશ્નો ઉભા થયા છે.
માત્ર પાંચથી પંદર મિનિટના ટૂંકા વરસાદમાં પણ અમદાવાદના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમું પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી અને વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આ સ્થિતિ શહેરની ડ્રેનેજ અને વોટરલોગિંગ મેનેજમેન્ટ સિસ્ટમને વધુ મજબૂત કરવાની તાતી જરૂરિયાત દર્શાવે છે. સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની આ સમસ્યા પ્રી-મોન્સૂન પ્લાનની અસરકારકતા પર પ્રશ્નાર્થ ઊભો કરે છે.