સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં સાડા ત્રણ ઇંચ વરસાદથી પાણી-પાણી, 5 અંડરપાસ બંધ, AMCને 89 ફરિયાદ

અમદાવાદમાં સાડા ત્રણ ઇંચ વરસાદથી પાણી-પાણી, 5 અંડરપાસ બંધ, AMCને 89 ફરિયાદ

અમદાવાદમાં 14 સપ્ટેમ્બરે સવારે 6થી સાંજે 7 વાગ્યા સુધીમાં સરેરાશ 3.6 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના પોશ વિસ્તારોમાં પણ પાણી ભરાયું હતું, જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનની વરસાદી પાણી નિકાલ વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.

સિંધુભવન રોડ, બોપલ, આંબલી, જુહાપુરા, વિશાળા, ફતેહવાડી, મેમનગર, શિલજ, શેલા, ગોતા, હાટકેશ્વર, નિકોલ, નરોડા, બાપુનગર, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં રસ્તાઓ ઉપરાંત સોસાયટીઓમાં પણ પાણી ભરાયું હતું. જેના કારણે ટ્રાફિકની સ્થિતિ પણ ખોરવાઈ હતી. વાહનચાલકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી અને કેટલાક સ્થળોએ વાહનો બંધ પડી જવાની સ્થિતિ સર્જાઈ હતી. રસ્તા પરના ખાડા પાણીમાં દેખાતા ન હોવાથી અકસ્માતની ભીતિ પણ વધી હતી.

વરસાદને પગલે કોર્પોરેશનના ચોપડે પાણી ભરાવાની 64, ઝાડ પડવાની 23 અને ભયજનક મકાનની 2 મળી કુલ 89 ફરિયાદો નોંધાઈ હતી. ભારે વરસાદને કારણે શહેરના પાંચ અંડરપાસમાં પાણી ભરાતાં તેને થોડા સમય માટે બંધ કરવાની ફરજ પડી હતી. મીઠાખળી અંડરપાસ સવારે 10:27 વાગ્યે, એલ.સી.-25 મકરબા 11:43 વાગ્યે, અખબારનગર બપોરે 12:50 વાગ્યે, દક્ષિણી 12:55 વાગ્યે અને શાહીબાગ અંડરપાસ બપોરે 1 વાગ્યે બંધ કરાયો હતો. પાણી નીકળ્યા બાદ આ અંડરપાસ ફરી વાહનવ્યવહાર માટે ખોલી નાખવામાં આવ્યા હતા.

શહેરમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 30.92 ઇંચ સુધી પહોંચી ગયો છે. જુલાઈમાં વરસાદ પડ્યા બાદ AMCને ડિસિલ્ટિંગ માટે અંદાજે દોઢ મહિનો સમય મળ્યો હતો, તેમ છતાં ડિસિલ્ટિંગ અને ખાસ કરીને સીસીટીવી મારફતે ડિસિલ્ટિંગની કામગીરી કેટલી અસરકારક રીતે થઈ તે અંગે પ્રશ્નો ઊભા થાય છે. ચોમાસા પહેલાં કેચપીટ અને ડ્રેનેજ લાઇનની સફાઈના દાવા વચ્ચે ફરી પાણી ભરાતાં કામગીરીની અસરકારકતા ચર્ચામાં આવી છે.

શહેરની ઇસ્ટર્ન ટ્રંક લાઇન અને વેસ્ટર્ન ટ્રંક લાઇન યોગ્ય રીતે કામ કરી રહી નથી અને તેમાં જરૂરી જોડાણો આપવામાં આવ્યા નથી, જેના કારણે વરસાદી પાણીના નિકાલ પર અસર થાય છે. ઉપરાંત, શહેરના કુલ ડ્રેનેજ નેટવર્કની સરખામણીમાં સ્ટોર્મ વોટર લાઇનનું નેટવર્ક માત્ર 30 ટકા જેટલું છે. એટલે ભારે વરસાદ દરમિયાન રસ્તાઓ અને અન્ય વિસ્તારોમાંથી એકસાથે આવતું પાણી નિકાલ માટે સમસ્યા સર્જે છે.