અમદાવાદમાં શુક્રવારે 21 સપ્ટેમ્બરે સાંજે વરસાદ પડ્યો હતો. સવારથી જ કાળા વાદળો અને ઠંડા પવનો સાથે વરસાદી માહોલ જામ્યો હતો. શહેરના ગોતા અને વૈષ્ણોદેવી સર્કલ આસપાસ સારો વરસાદ નોંધાયો હતો. તેમજ વ્યસ્ત એસજી હાઈવે પર પણ વરસાદ વરસ્યો હતો.
વરસાદના કારણે કેટલાક મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા હતા, જેથી વાહનવ્યવહારને અસર થઈ હતી. શહેરમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીથી રાહત મળી છે.
રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બે અલગ-અલગ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ચોમાસું ફરી સક્રિય થયું છે. આજે વડોદરામાં પણ વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.