અમદાવાદમાં રવિવારે બપોર પછી પવન સાથે વરસાદ પડ્યો હતો. પશ્ચિમ અમદાવાદના પાલડી, વાસણા, સરખેજ, જુહાપુરા, વેજલપુર, નવરંગપુરા, જોધપુર અને ઉસ્માનપુરા જેવા વિસ્તારોમાં વરસાદ થયો હતો. પૂર્વ અમદાવાદના જમાલપુર, માધુપુરા, દુધેશ્વર, કાલુપુર અને શાહીબાગમાં પણ વરસાદ પડ્યો હતો.
શહેરમાં સરેરાશ માત્ર 0.55 ઈંચ વરસાદ નોંધાયો હતો, તેમ છતાં મીઠાખળી અંડરપાસ 102 મિનિટ સુધી બંધ રાખવો પડ્યો હતો. બપોરે 3:15 વાગ્યે સતત ભારે વરસાદ પડતાં વાહનચાલકોની સલામતી ધ્યાનમાં રાખીને અંડરપાસ બપોરે 3:50 વાગ્યે બંધ કરાયો હતો. ત્યારબાદ અંડરપાસમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો અને સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરી પૂર્ણ થયા બાદ સાંજે 5:32 વાગ્યે અંડરપાસ ફરી ખુલ્લો કરાયો હતો.
વરસાદની તીવ્રતા પશ્ચિમ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વધુ રહી હતી. સરખેજ અર્બન હેલ્થ સેન્ટર વિસ્તારમાં સૌથી વધુ 1.73 ઈંચ વરસાદ નોંધાયો હતો. સરખેજમાં 1.59 ઈંચ, વાસણામાં 1.48 ઈંચ, ટાગોર કંટ્રોલમાં 1.36 ઈંચ, મક્તમપુરામાં 1.32 ઈંચ અને જોધપુરમાં 1.18 ઈંચ વરસાદ પડ્યો હતો. નવરંગપુરા અને મેમનગરમાં 0.91 ઈંચ, બોડકદેવ અને અસારવામાં 0.89 ઈંચ, ઉસ્માનપુરામાં 0.67 ઈંચ તથા મોટેરામાં 0.65 ઈંચ વરસાદ નોંધાયો હતો.
કોર્પોરેશનના રિપોર્ટ મુજબ સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા દરમિયાન પાણી ભરાવાની 3 ફરિયાદો નોંધાઈ હતી. તેમાંથી 2 ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો, જ્યારે 1 ફરિયાદ પર કામગીરી ચાલુ હતી. વૃક્ષ ધરાશાયી થવાની 3 ફરિયાદો નોંધાઈ હતી અને તે તમામનો નિકાલ કરવામાં આવ્યો હતો.
20 સપ્ટેમ્બર સુધીમાં અમદાવાદમાં ચોમાસાનો કુલ સરેરાશ વરસાદ 903.88 મિ.મી. એટલે કે 35.59 ઈંચ નોંધાયો છે.
ક્યાં કેટલો વરસાદ પડ્યો? (ઈંચમાં) — સરખેજ અર્બન હેલ્થ સેન્ટર: 1.73, સરખેજ: 1.59, વાસણા: 1.48, ટાગોર કંટ્રોલ: 1.36, મક્તમપુરા: 1.32, જોધપુર: 1.18, મ્યુનિ. કોર્પોરેશન: 0.96, નવરંગપુરા: 0.91, મેમનગર: 0.91, બોડકદેવ: 0.89, અસારવા: 0.89, સરદારનગર: 0.83, જોધપુર ઝોનલ: 0.79, કાલુપુર: 0.75, દુધેશ્વર: 0.71, ઉસ્માનપુરા: 0.67, મોટેરા: 0.65, બોપલ: 0.53, નરોડા: 0.53.