અમદાવાદમાં મંગળવારે સવારે હવામાન વિભાગે 'હળવાથી મધ્યમ' વરસાદની આગાહી કરી હતી, પણ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો. સવારે 6 થી 10 વાગ્યા સુધીના ચાર કલાકમાં જ 2.77 ઇંચ વરસાદ ખાબક્યો અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકી પડી.
હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે શહેરમાં માત્ર સામાન્ય છાંટા કે મધ્યમ વરસાદની શક્યતા હતી. પણ સવારે 6 થી બપોરે 1 વાગ્યા સુધીમાં શહેરના 42થી વધુ વિસ્તારોમાં સરેરાશ 2.88 ઇંચ વરસાદ નોંધાયો. ખાસ કરીને સવારના ચાર કલાકમાં જ પોણા ત્રણ ઇંચ વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યું.
સૌથી મોટો વિરોધાભાસ નાઉકાસ્ટમાં જોવા મળ્યો. રાત્રે 1 અને 4 વાગ્યેના નાઉકાસ્ટમાં અમદાવાદમાં 'સામાન્ય' વરસાદની માહિતી હતી. સવારે 7 વાગ્યે જ્યારે મુસળધાર વરસાદ પડી રહ્યો હતો, ત્યારે નાઉકાસ્ટમાં કહેવાયું કે આગામી ત્રણ કલાક 'મધ્યમ' વરસાદ રહેશે. અને સવારે 10 વાગ્યે વરસાદ બંધ થઈ ગયા પછી 'ભારે વરસાદ'નું એલર્ટ જાહેર કરાયું.
આ સ્થિતિને કારણે સ્કૂલે જતાં બાળકો, વાલીઓ અને ઓફિસે નીકળેલા નોકરીયાતાઓને રસ્તા પર પાણી ભરાવાને કારણે કલાકો સુધી હાલાકી વેઠવી પડી. ઘણા વિસ્તારોમાં વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર અને તેને અડીને આવેલા ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર બનેલા લો-પ્રેશર અને મોન્સૂન ટ્રફને કારણે રાજ્યમાં વરસાદી માહોલ છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. દરિયાકાંઠે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ક્યાંક 50 કિમી પ્રતિ કલાક સુધીની ગસ્ટી પવનની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
ચોમાસાની વર્તમાન સ્થિતિ અંગે તેમણે ઉમેર્યું કે 1 જૂનથી 17 સપ્ટેમ્બર સુધીમાં સમગ્ર ગુજરાતમાં સરેરાશ 24.09 ઇંચ વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 26.38 ઇંચની સરખામણીમાં 9% ઓછો છે. ગુજરાત રીજનમાં 35.38 ઇંચ વરસાદ થયો છે, જે સામાન્ય 34.49 ઇંચ કરતાં 3% વધુ છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં 15.19 ઇંચ વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 19.90 ઇંચની સામે 24% ઓછો છે.
હવામાન વિભાગની આગાહી ખોટી પડતાં સામાન્ય નાગરિકોને તકલીફ પડે છે અને તંત્ર પણ આગોતરું આયોજન કરી શકતું નથી. કરોડોના ખર્ચે ચાલતી હાઈટેક સિસ્ટમ સચોટ માહિતી ન આપી શકે તો તેની અસર અંતે સામાન્ય લોકોને જ ભોગવવી પડે છે.