અમદાવાદમાં ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયું છે. ખાસ કરીને મણિનગર, ગોરના ફુવા તરફથી હાટકેશ્વર તરફ જતા રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાયા છે. સાથે જ, ગણેશ ભગવાનની મૂર્તિઓ માટે લારીઓ અને સ્ટોલ હોવાને કારણે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે.
હાટકેશ્વર સર્કલ પાસે પાણી ભરાવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિકમાં લોકો અટવાઈ ગયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, વરસાદી પાણી નીકળવામાં તકલીફ થતી હોવાથી રસ્તા પર ભીડ વધી ગઈ છે.
આ સ્થિતિને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, વરસાદ ચાલુ રહેતાં લોકોને હજુ પણ અગવડનો સામનો કરવો પડી રહ્યો છે.