સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ રેલવે સ્ટેશનનું બાંધકામ 13મા માળે પહોંચ્યું, રેલવે મંત્રીએ કરી સમીક્ષા

અમદાવાદ રેલવે સ્ટેશનનું બાંધકામ 13મા માળે પહોંચ્યું, રેલવે મંત્રીએ કરી સમીક્ષા

અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશનનું પુનર્વિકાસ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે. સ્ટેશનની નવી ઇમારતનું બાંધકામ 13મા માળ સુધી પહોંચી ગયું છે. આ બાંધકામ સ્ટેશનથી સાળંગપુર તરફના ભાગમાં થઈ રહ્યું છે.

કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુજરાતની મુલાકાત દરમિયાન અમદાવાદ ખાતે આ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું કે અમદાવાદ સ્ટેશન પુનર્વિકાસ પ્રોજેક્ટનું કાર્ય ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે.

આ પુનર્વિકાસનો હેતુ મુસાફરોને આધુનિક, સુવિધાજનક અને વધુ સારી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. સાથે સ્ટેશનને ભવિષ્યની મુસાફર જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકસાવવાનો છે. પ્રોજેક્ટમાં મુસાફર સુવિધાઓ, વધુ સારી કનેક્ટિવિટી અને મલ્ટીમોડલ એકીકરણ પર ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે.

રેલવે સ્ટેશનોના પુનર્વિકાસમાં મુસાફરોની સુવિધા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરીને તબક્કાવાર કામ કરવાની નીતિ અપનાવાઈ રહી છે. મંત્રીએ મુલાકાત દરમિયાન રેલવે સંબંધિત અન્ય વિકાસ કાર્યો અને પ્રોજેક્ટોની પ્રગતિની પણ સમીક્ષા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, જુલાઈ 2026માં પણ અશ્વિની વૈષ્ણવે અમદાવાદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ સહિત શહેરની વિવિધ રેલવે પરિયોજનાઓ અંગે અધિકારીઓ, ધારાસભ્યો અને સાંસદો સાથે સમીક્ષા કરી હતી. અમદાવાદ રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ ગુજરાતના મુખ્ય માળખાકીય વિકાસ કાર્યોમાંનો એક છે.