દિવાળી અને છઠ પૂજાના તહેવારોને કારણે અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશન પર પરપ્રાંતિય મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. ટ્રેનોમાં ભીડના કારણે હજારો મુસાફરો કલાકો સુધી સ્ટેશન પર ભૂખ્યા-તરસ્યા રાહ જોવા મજબૂર બન્યા છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓએ મુસાફરોની મદદ માટે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. પ્લેટફોર્મ પર અરાજકતા અને ભાગદોડ અટકાવવા માટે ખાસ તૈયાર કરાયેલા હોલ્ડિંગ એરિયામાં મુસાફરો માટે બેસવાની વ્યવસ્થા, પંખા, લાઈટ અને પીવાના પાણીની સુવિધા કરવામાં આવી છે.
સામાન્ય શ્રેણીના મુસાફરો, ખાસ કરીને નાના બાળકો અને મહિલાઓને પડતી મુશ્કેલી દૂર કરવા માટે એનજીઓના સહયોગથી હોલ્ડિંગ એરિયામાં ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું છે. મુસાફરોને પૂરી-શાક, હલવો, થેપલા સહિતના ફૂડ પેકેટ અને પીવાના પાણીની બોટલો વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. ટ્રેનમાં બેસવા જતી વખતે પણ મુસાફરોને બિસ્કિટ અને પાણીના પેકેટ આપવામાં આવે છે, જેથી લાંબી મુસાફરીમાં તેમને ભૂખ્યા ન રહેવું પડે.
સ્ટેશન પર પીવાના પાણીની અછત ન સર્જાય તે માટે વોટર કૂલરોની નિયમિત દેખરેખ રાખવામાં આવી રહી છે. ભારે ભીડ વચ્ચે ગંદકી ન ફેલાય તે માટે મોટી સંખ્યામાં સફાઈ કામદારોને તૈનાત કરવામાં આવ્યા છે. તહેવારોના આ દિવસોમાં રેલવે અને સમાજસેવીઓની આ પહેલ મુસાફરો માટે રાહતરૂપ સાબિત થઈ રહી છે.