સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના 9 રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજની યોજના અટવાઈ, જગ્યાનો અભાવ મુખ્ય અવરોધ

અમદાવાદના 9 રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજની યોજના અટવાઈ, જગ્યાનો અભાવ મુખ્ય અવરોધ

અમદાવાદમાં રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ બનાવવાની યોજનાને ગંભીર પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના 9 રેલવે ક્રોસિંગ પર પૂરતી જગ્યાના અભાવ, સાંકડા રસ્તાઓ, ભૂગર્ભ યુટિલિટી લાઇનો અને મેટ્રો કોરિડોરને કારણે બ્રિજ બનાવવાનું મુશ્કેલ બન્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશને પણ કેટલાક સ્થળોએ બ્રિજની શક્યતા સામે વાંધો ઉઠાવ્યો છે.

રેલવે દ્વારા દેશભરમાં ફાટકમુક્ત કરવાના ભાગરૂપે અમદાવાદના વિવિધ ક્રોસિંગ પર ઓવરબ્રિજ કે અંડરબ્રિજ માટે પ્રસ્તાવ મોકલવામાં આવ્યા છે. જોકે, મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, અસારવા (LC-1) અને નરોડા GIDC (LC-10) જેવા સ્થળોએ ટીપી રોડ સાંકડા હોવાથી અને એપ્રોચ રોડ બનાવવા માટે જગ્યા ન હોવાથી બ્રિજ શક્ય નથી. નરોડા GIDCમાં તો GIDC દ્વારા પ્રસ્તાવ સ્વીકારવામાં પણ આવ્યો નથી.

સાબરમતી-બોટાદ રેલવે સેક્શનમાં આવેલા પાંચ ક્રોસિંગ – વિજયનગર (LC-8), સંઘવી હાઈસ્કૂલ (LC-9), નારણપુરા (LC-10), નવરંગપુરા (LC-12) અને ભુદરપુરા (LC-18) – પર પણ મેટ્રો કોરિડોર અને ભૂગર્ભ લાઇનોને કારણે બ્રિજ બનાવવામાં અડચણ છે.

જોકે, સૌથી વ્યસ્ત મણિનગર (LC-308) અને વટવા-વિંઝોલ (LC-305) ક્રોસિંગ પર ઓવરબ્રિજ માટે રેલવેના ગતિશક્તિ વિભાગે પ્રક્રિયા શરૂ કરી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, સંબંધિત સત્તામંડળોની મંજૂરી મળ્યા બાદ જ કામગીરી આગળ વધી શકશે.