સત્ય. સાહસ. સંકલ્પ.

ગૂગલથી કસ્ટમર કેર નંબર શોધતા પહેલા સાવધાન! અમદાવાદમાં રેલવે અધિકારીને 73 હજારની છેતરપિંડી

ગૂગલથી કસ્ટમર કેર નંબર શોધતા પહેલા સાવધાન! અમદાવાદમાં રેલવે અધિકારીને 73 હજારની છેતરપિંડી

અમદાવાદના ખોખરા વિસ્તારમાં રહેતા અને પશ્ચિમ રેલવેમાં ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા પ્રદીપકુમાર સાથે 73 હજાર રૂપિયાની ઓનલાઇન છેતરપિંડી થઈ છે. તેમણે મીશો એપ્લિકેશન પરથી 448 રૂપિયાનો લેડીઝ ડ્રેસ ઓર્ડર કર્યો હતો. પેમેન્ટ કપાઈ જવા છતાં ઓર્ડર કન્ફર્મ ન થતાં તેમણે ફરીથી પેમેન્ટ કર્યું. ત્યારબાદ કપાયેલા 448 રૂપિયાનું રિફંડ મેળવવા માટે તેમણે ગૂગલ પરથી મીશો કસ્ટમર કેરનો ટોલ-ફ્રી નંબર શોધીને સંપર્ક કર્યો.

સાયબર ઠગે પોતાને કસ્ટમર કેરનો પ્રતિનિધિ ગણાવીને વોટ્સએપ પર વાતચીત શરૂ કરી. તેણે વીડિયો કોલ કરીને પ્રદીપકુમારને ફોનની સ્ક્રીન શેર કરવા કહ્યું અને ખાતાનું બેલેન્સ ચેક કરાવ્યું. રિફંડ ન મળતાં ઠગે વોટ્સએપ પર એક APK ફાઇલ મોકલી. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમામ પરમિશન આપતાં જ તેમનો ફોન હેંગ થઈ ગયો.

ફોન રિસ્ટાર્ટ કરીને ગૂગલ પે ચેક કરતાં તેમના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી ત્રણ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 73 હજાર રૂપિયા કપાઈ ગયા હોવાનું જણાયું. છેતરપિંડીનો ભોગ બન્યાનો અહેસાસ થતાં જ તેમણે તરત જ 1930 સાયબર હેલ્પલાઇન પર સંપર્ક કર્યો. ખોખરા પોલીસે વોટ્સએપ નંબર ધારક અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

આ કિસ્સો સાયબર ઠગોના ‘SEO પોઇઝનિંગ’ નેટવર્કને ઉજાગર કરે છે. ગઠિયાઓ ગૂગલ જેવા સર્ચ એન્જિન પર મીશો, ફ્લિપકાર્ટ, એમેઝોન જેવી પ્રખ્યાત ઈ-કોમર્સ સાઇટ્સ કે બેંકોના નામે ફેક ટોલ-ફ્રી નંબરો ટોપ સર્ચમાં લાવી દે છે. ગ્રાહક સાચો નંબર સમજીને ડાયલ કરે એટલે ઠગ સીધા વોટ્સએપ કે રિમોટ એક્સેસ ટૂલ્સ મારફતે તેને શિકાર બનાવે છે.