સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ રેલવેને દિવાળી-છઠમાં ₹108 કરોડની આવક, 15 દિવસમાં 21 લાખ મુસાફરોની અવરજવર

અમદાવાદ રેલવેને દિવાળી-છઠમાં ₹108 કરોડની આવક, 15 દિવસમાં 21 લાખ મુસાફરોની અવરજવર

અમદાવાદ રેલવે ડિવિઝનને દિવાળી અને છઠ પર્વ દરમિયાન મોટી આવક થઈ છે. 1થી 15 નવેમ્બર 2026 દરમિયાન 15 દિવસમાં 21 લાખથી વધુ મુસાફરોએ રેલ મુસાફરી કરી, જેનાથી રેલવેને ₹108 કરોડથી વધુની આવક થઈ છે. તહેવારોની ભીડને પહોંચી વળવા 79 વિશેષ ટ્રેન ટ્રિપ્સ ચલાવવામાં આવી હતી.

આ સમયગાળામાં ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મહારાષ્ટ્ર તરફ જતા મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. અમદાવાદ રેલવે સ્ટેશન પરથી 8.13 લાખથી વધુ, સાબરમતી સ્ટેશન પરથી 3.42 લાખથી વધુ અને અસારવા સ્ટેશન પરથી 1.37 લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી. ભુજ, ગાંધીધામ અને અન્ય સ્ટેશનો પરથી પણ મોટી સંખ્યામાં મુસાફરોએ મુસાફરી કરી હતી.

મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને અમદાવાદ, સાબરમતી, અસારવા, ભુજ અને ગાંધીધામથી લખનઉ, કાનપુર, આગ્રા, મુંબઈ, પ્રયાગરાજ, મુઝફ્ફરપુર, દરભંગા, બરૌની, રાજગીર, જયપુર, હરિદ્વાર અને ભાગલપુર સહિતના શહેરો માટે 79 વિશેષ ટ્રેન ટ્રિપ્સ દોડાવવામાં આવી હતી. સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ અને કર્ણાવતી એક્સપ્રેસ જેવી નિયમિત ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવ્યા હતા.

ભીડ નિયંત્રણ માટે અમદાવાદ અને સાબરમતી સ્ટેશન પર વિશેષ હોલ્ડિંગ એરિયા ઊભા કરાયા હતા, જ્યાં બેઠક, પીવાનું પાણી, લાઇટિંગ અને પંખાની સુવિધા આપવામાં આવી હતી. ટ્રેનોના સમયપત્રકની માહિતી માટે ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે બોર્ડ, જાહેર ઉદ્ઘોષણા અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરાયો હતો.

સુરક્ષા માટે ડીઆરએમના માર્ગદર્શન હેઠળ આરપીએફ, જીઆરપી અને ટિકિટ ચેકિંગ સ્ટાફ તૈનાત કરાયો હતો. સાબરમતી સ્ટેશન પર 121 અને અમદાવાદ સ્ટેશન પર 119 સીસીટીવી કેમેરાથી સતત દેખરેખ રાખવામાં આવી હતી. અમદાવાદ સ્ટેશન પર ટૂંક સમયમાં વધુ 60 સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન છે. અમદાવાદ સ્ટેશન પર 55, સાબરમતી પર 40 અને અસારવા સ્ટેશન પર 15 આરપીએફ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.